સોનગઢ: વૈશ્વિક મહામારી કોરોનાના સંકટમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણ પર વધુ ભાર આપ્યો છે. પરંતુ અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક જ નથી અને સાથે અહીંના ગરીબ પરિવારમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે ટી.વી જેવી સુવિધા પણ નથી. તો ઓનલાઈન શિક્ષણ ક્યાં મેળવશે ? કેવી રીતે મેળવશે? એવા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચાઈ રહ્યા છે.
ગુજરાતના ગામડામાં રહેતા લોકો મહેનત મજૂરી કરી પોતાનું જીવનધોરણ ચલાવે છે. ત્યાં સ્માર્ટ ફોન ખરીદવો શક્ય નથી. આ વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ આપવું ઘણું કઠીન છે. ત્યારે ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણ જાણે હવા હવાઈ વાતો કરવા સમાન છે. આજે આઝાદીના 74 વર્ષો વિતી ગયા હોવા છતાં અંતરિયાળ આદિવાસી ગામડાઓમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. ગામડામાં વર્ષોથી નેટવર્કના પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં ઓનલાઈન શિક્ષણની વાત આવે તો વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન છે. ડિજિટલ યુગમાં પણ ગામડાંઓ નેટવર્કથી વંચિત રહેતા હોય તો શું ગુજરાત સરકાર અને વડાપ્રધાનશ્રી ના યુવાનોને ડિજિટલ યુગમાં વધુ સક્રિય કરવાના પ્રયાસો શુ શક્ય બનશે ખરા ?
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 19 માર્ચ 2020 થી ગુજરાતની TV ચેનલોના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સ્નાતક-અનુસ્નાતકના વિદ્યાર્થીઓને Google Meet કે Zoom જેવી એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણના વર્ગો શરૂ થયા છે. પરંતુ આ માધ્યમથી શિક્ષણ માત્ર શહેરી વિસ્તારમાં રહેતા અને શહેરના આજુબાજુના ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણનો લાભ લઇ શક્યા છે. અંતરિયાળ આદિવાસી ગામડાના વિદ્યાર્થીઓ માટે તો માત્ર ઓનલાઈન શિક્ષણ મેળવવું ઘણું જ કઠણાઈ ભર્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે, આ હાલ દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જિલ્લાઓના મોટાભાગે ડુંગરાળ વિસ્તારમાં આવેલા કેટલાક આદિવાસી ગામડાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમુક ગામડાઓ જંગલો કે પહાડી વિસ્તારમાં આવેલા છે અહિ રહેતા વિદ્યાર્થીઓને માત્ર ફોન કરવા માટે ઉંચા ટેકરા કે ડુંગરો ચડવા પડે છે. ત્યાં ઓનલાઈન શિક્ષણ કેવી રીતે એ વિચારશીલ પ્રશ્ન છે ? જો સ્કૂલ કે કોલેજમાંથી કોઈ અભ્યાસને લગતી માહિતી મુકવામાં આવી હોય એ ડાઉનલોડ કરવા માટે તો કલાકો ના કલાકો નીકળી જતા હોય છે. તો ઓનલાઈન વર્ગો કેવી રીતે ભરવા તે એક ચિંતાનો વિષય બન્યો છે.
આ બાબતે વારંવાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાંટી ગામના વિદ્યાર્થીઓ દ્વારા ગત દિવસોમાં ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણ શક્ય નથી એવી રજૂઆતો તંત્રને કરવામાં આવી. તાપી જિલ્લાના શિક્ષણ ખાતા દ્વારા એવી પ્રતિક્રિયા આપવામાં આવી કે તમારે જ્યાં નેટવર્ક આવતું હોય અભ્યાસને લાગતી માહિતી ડાઉનલોડ કરી લેવું, જેવા ઉડાવ જવાબ આપી વાતની ગંભીરતા ટાળી દેવામાં આવે છે. પરંતુ કોઈ યોગ્ય ઉપાય કરી સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.
વિધાર્થીઓનું કહેવું છે કે ઓનલાઈન શિક્ષણ શરૂ થયાના આજ દિન સુધી ગામડાના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે. તો એના માટે જોવાબદાર કોણ ? શુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ભણવાનો અધિકાર નથી ? વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય સામે જોખમ દેખાઈ રહ્યું છે. એમ પણ ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ નબળી છે જ ત્યાં ઓનલાઈન શિક્ષણ આવતા વિદ્યાર્થીઓ વધુ નબળા બનશે નો ડર ગામડાના લોકોને સતાવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઈ છે કે આજે વિધાર્થીઓ શિક્ષણને છોડી બીજી પ્રવૃત્તિમાં વધુ રસ ધરાવતા થઈ ગયા છે.
સરકાર દ્વારા આગામી દિવસોમાં જો આ સ્થિતિને લઈને નિર્ણય લેવામાં ન આવે તો અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધુંધળું ભાસી રહ્યું છે. આ બાબતે તંત્ર ઝડપથી ધ્યાને લે એવી વિદ્યાર્થીઓએ અપીલ કરી છે. તેમનું કહેવું છે કે અમે ઓનલાઈન શિક્ષણ સામે વિરોધ નથી કરતા પણ અંતરિયાળ વિસ્તારના ગામડાની આ વાસ્તવિકતા જણાવી છે.