દક્ષિણ ગુજરાત: ગુજરાતના ખેડૂતો અને ખાસ કરીને આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓના નાના તથા સીમાંત ખેડૂતોના હિતમાં ‘સમસ્ત આદિવાસી સમાજ’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા NPK ખાતરના ભાવમાં થયેલા અસહ્ય વધારા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી ભાવવધારો તાત્કાલિક અટકાવવા અને ખેડૂતોને રાહત આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, હાલમાં NPK ખાતરના ભાવમાં પ્રતિ બેગ 500નો વધારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અગાઉના ભાવની સરખામણી કરીએ તો એક જ વર્ષમાં પ્રતિ બેગ કુલ 1000નો તોતિંગ વધારો થયો હોવાનો દાવો કરાયો છે, જેની સત્તાવાર ચકાસણી કરવી જરૂરી બને છે.
રજૂઆત કરતા ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે: ગુજરાતનો ખેડૂત રાજ્યની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે. જો ખાતરના ભાવમાં આ પ્રકારે મોટો વધારો ચાલુ રહેશે, તો ખેડૂતો ખાતરનો ઉપયોગ ઘટાડવા મજબૂર બનશે, જેનાથી પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર વિપરીત અસર પડશે આદિવાસી વિસ્તારોના ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. આ ખેડૂતો પહેલાથી જ મર્યાદિત જમીન, અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અછત જેવી વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયે ખાતર, બિયારણ અને મજૂરીનો સતત વધતો ખર્ચ નાના અને સીમાંત ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખશે.
મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ કરાયેલી મુખ્ય માંગણીઓ: ભાવ અને સબસિડીનું મૂલ્યાંકન: સંબંધિત કંપનીઓ અને સક્ષમ સત્તાધિકારીઓ પાસેથી જૂના-નવા ભાવ તથા સબસિડીની વિગતો મેળવી ખેડૂતો પર પડતી આર્થિક અસરનું ત્વરિત મૂલ્યાંકન કરવામાં આવે. બિનજરૂરી ભાવવધારો અટકાવવો: કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે યોગ્ય સંકલન સાધીને બિનજરૂરી ભાવવધારો અટકાવવા માટે કાયદેસર અને નીતિગત પગલાં ભરવામાં આવે. આર્થિક સહાય અને સબસિડી: આદિવાસી વિસ્તારોના પાત્ર ખેડૂતોને ખાતરમાં વધારાની સબસિડી અથવા સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. કાળાબજારી અને વધુ ભાવ લેનારા સામે કડક કાર્યવાહી: ખાતરનું વિતરણ સંપૂર્ણ પારદર્શક બને અને નિર્ધારિત MRP કરતાં વધુ ભાવ વસૂલનારા વેપારીઓ સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે. નિયમિત દેખરેખ: જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ખાતરના જથ્થા અને વિતરણ અંગે સતત અને નિયમિત દેખરેખ રાખવામાં આવે.











