વાંસદા: વાંસદા તાલુકાના અંકલાછ અને ખાનપુર બારતાડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ફાલેલો-ફૂલેલો આંકડા જુગારનો ગેરકાયદેસર કારોબાર હવે સ્થાનિક પરિવારો માટે બરબાદીનું કારણ બની રહ્યો છે. ગેરકાયદેસર કમાણી અને મોજશોખના ચક્કરમાં ગરીબ પરિવારો પાયમાલ થઈ રહ્યા છે, જ્યારે આંકડાના આકાઓ લાખોની કમાણી કરીને બેફામ બની રહ્યા છે.
સ્થાનિક સામાજિક આગેવાનો સાથેની વાતચીત દરમિયાન અત્યંત કરુણ વાસ્તવિકતા સામે આવી છે. આંકડા જુગારની લતે ચઢેલા વ્યક્તિઓના પરિવારની સ્થિતિ એટલી દયનીય બની ગઈ છે કે ઘરમાં પત્ની માટે ચણિયા ચોળી કે બાળકો માટે સ્કૂલના ડ્રેસ ખરીદવાના પણ રૂપિયા બચતા નથી. બિચારી મહિલાઓ દિવસ-રાત મજૂરી કરીને જે થોડાઘણા નાણાં કમાય છે, તે પણ આંકડા જુગારીઓ જુગારના અડ્ડા પર હારી જાય છે.
મહિને 25 થી 30 લાખનો કાળો કારોબાર અને ‘હપ્તા રાજ’
માહિતી મુજબ, આંકડા જુગારના આકાઓ મહિનામાં રૂ. ૧૫ થી ૨૦ લાખ અને ક્યારેક રૂ. ૨૫ થી ૩૦ લાખ સુધીનો ધંધો કરી રહ્યા છે. આ કાળા કારોબારમાંથી કમાયેલા લાખો રૂપિયાથી તેઓ નવી નવી ફોર-વ્હીલ ગાડીઓ ફેરવીને મોજ-મસ્તી કરી રહ્યા છે. આ ગેરકાયદે ધંધાને વિના રોકટોક ચલાવવા માટે અમુક બીટ જમાદારોને નિયમિત હપ્તાઓ આપવામાં આવતા હોવાના અને પોલીસના મેળાપીપણામાં ફુલ્લી દાદાગીરી સાથે આ દૂષણ ચલાવવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.
રાજકીય નેતાઓનું આંકડાઓના આકાઓને પીઠબળ
આંકડા જુગારના આ ગેરકાયદેસર ધંધાને પોષણ આપવામાં ભાજપ અને કોંગ્રેસના પણ કેટલાક સ્થાનિક રાજકારણીઓની ભાગીદારી અથવા છૂપો હાથ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ સામાજિક દૂષણના કારણે બરબાદ થયેલા પીડિત પરિવારોની આંતરડીનો અવાજ અને સત્ય હકીકત સામે લાવવા માટે DECISION NEWS ની ટીમ ટૂંક સમયમાં જ અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દ્વારા સમગ્ર કાળા કારોબારનો પર્દાફાશ કરશે.











