ડાંગ: ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે હોનારત સર્જાઈ રહી છે. પિંપરી ગ્રુપ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા ધૂળચૌંડ ગામના ટેમ્બરૂન ફળિયા ખાતે ચાલી રહેલા ધોધમાર વરસાદના પ્રવાહમાં રસ્તા પરનું નાળું તૂટી જતાં ગ્રામજનોનો સંપર્ક ખોરવાયો છે અને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ ફળિયાના રહીશો લાંબા સમયથી પાકો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે રસ્તો બન્યો ન હતો. આ વર્ષો જૂની સમસ્યા વચ્ચે હવે ચોમાસાની કુદરતી આફતે લોકોની વેદનામાં બમણો વધારો કર્યો છે.
વરસાદી પાણીના સખત પ્રવાહને લીધે રસ્તાની વચ્ચોવચ આવેલું નાળું તૂટી ગયું છે, જેનાથી સમગ્ર રસ્તો ધોવાઈ ગયો છે. જેના લીધે ફળિયાનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક કપાઈ જતાં દર્દીઓ, વૃદ્ધો અને શાળાએ જતા બાળકો માટે અવર-જવર કરવી અત્યંત જોખમી બની ગઈ છે. પાકા રસ્તા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી સુવિધાથી વંચિત રહેલા ટેમ્બરૂન ફળિયાના ગ્રામજનોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં તાત્કાલિક ધોરણે તૂટેલા નાળા અને માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે.











