સુરત: સુરત જિલ્લામાં સતત વરસી રહેલા આફતના વરસાદ વચ્ચે માનવતા અને સરકારી તંત્રની ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લાના નીચાણવાળા અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં ભારતીય આર્મી, SDRF, પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઓલપાડ, કિમ અને કઠોદરા જેવા અત્યંત અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્મીના જવાનોએ સ્થાનિક ટીમો સાથે મળીને સંકટમાં ફસાયેલા નાગરિકો માટે જીવદાતાની ભૂમિકા ભજવી છે. બચાવ ટુકડીઓ દ્વારા આધુનિક ઉપકરણો અને બોટની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા 157 જેટલા નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પાણી ભરાવાની ગંભીર સ્થિતિને જોતા 2,334 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર  કરાવવામાં આવ્યા છે.

ઓલપાડ અને કિમ-કઠોદરા પટ્ટામાં પાણીનું સ્તર વધતાં જ ભારતીય આર્મી અને SDRFની ટીમોએ મોરચો સંભાળી લીધો હતો જ્યારે બોટ અને આધુનિક રેસ્ક્યુ સાધનો દ્વારા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત અનેક પરિવારોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા અને સ્થાનિક પ્રશાસન દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરાઈ છે. મુશ્કેલીની આ ઘડીમાં સમયસર પહોંચીને જિંદગી બચાવવા બદલ સ્થાનિક નાગરિકોએ ભારતીય આર્મી, SDRF અને પોલીસ જવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રશાસને ગ્રામજનોને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here