વલસાડ: ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધારક મહિલા દર્દી પાસેથી અનધિકૃત રીતે 22,058 રૂપિયાનું બિલ વસૂલ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના હસ્તક્ષેપ પછી હોસ્પિટલને આ રકમ પરત કરવી પડી છે તેમજ બમણી રકમનો દંડ પણ સરકારને ભરવો પડ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગત વર્ષે ઇમરજન્સી સારવાર માટે આ મહિલા દર્દીને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. દર્દી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં તેના સગાઓ પાસેથી હોસ્પિટલે ૨૨,૦૫૮ રૂપિયાનું બિલ વસૂલ કર્યું હતું. ત્યારબાદ દર્દીને વધુ સારવાર માટે નવસારી લઈ જવામાં આવી હતી. સારવાર પૂરી થયા બાદ દર્દીના સગાઓએ આ મામલે મુખ્યમંત્રી અને વલસાડ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગે તપાસ કરીને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલને દર્દીની રકમ પરત આપવા અને તેની બમણી રકમ એટલે કે 44,116 રૂપિયાનો દંડ સરકારી ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલને આયુષ્માન કાર્ડ ધારકો પાસેથી આવી રીતે કોઈ ફી ન વસૂલવા માટે સોગંદનામું પણ આપવાનું કહેવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગના આદેશ છતાં હોસ્પિટલ સંચાલકોએ રકમ પરત આપવામાં આનાકાની કરી હતી. ત્યારબાદ દર્દીના સગાઓએ ફરી એક વાર મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને ફરિયાદ કરી. આ બીજી ફરિયાદ પછી હોસ્પિટલને દર્દીના 22,058 રૂપિયા પરત કરવાની ફરજ પડી. આ મામલો આયુષ્માન ભારત યોજનાના અમલીકરણમાં હોસ્પિટલો દ્વારા થતા અનિયમિતતાને લઈને ચર્ચામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આવા કિસ્સાઓમાં સખત કાર્યવાહી કરવામાં આવશે જેથી યોજનાનો લાભ હક્કદારો સુધી સરળતાથી પહોંચી શકે.











