દક્ષિણ ગુજરાત: ચોમાસાના પહેલા વરસાદ સાથે જ ગુજરાતના ડુંગરાળ વિસ્તારો, જંગલો અને સીમામાં ઉગી નીકળતી કરલીની ભાજી ( Chlorophytum tuberosum) ફરી એક વાર સ્થાનિક લોકો અને આયુર્વેદ પ્રેમીઓનું ધ્યાન ખેંચી રહી છે. આદિવાસી સમાજમાં ‘જંગલી અમૃત’ તરીકે જાણીતી આ વનસ્પતિ માત્ર સ્વાદિષ્ટ ભાજી જ નહીં, પણ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.
પ્રકૃતિનું અનોખું વરદાન
ઉનાળાની તપીશ પછી પહેલા વરસાદ સાથે જમીનમાંથી ફૂટી નીકળતી આ ભાજીને સ્થાનિક ભાષામાં કલીમલી, કરલી, કુલ્લી કે સફેદ મુસળી તરીકે ઓળખવામાં આવે છે. તેના આંગળી જેવા જાડા સફેદ કંદ અને લાંબા, ચમકદાર લીલા પાનમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે. વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ તેમાં સેપોનિન્સ, આલ્કલોઇડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, મ્યુસિલેજ, કેલ્શિયમ, આયર્ન, ઝીંક અને ઉચ્ચ ગુણવત્તાવાળું વનસ્પતિજન્ય પ્રોટીન પુષ્કળ માત્રામાં જોવા મળે છે.
પ્રાચીન આયુર્વેદિક ગ્રંથો જેમ કે ભાવપ્રકાશ નિઘંટુ અને રાજ નિઘંટુમાં મુસળીના ગુણોનું વિસ્તૃત વર્ણન છે. તેને ‘રસાયણ’ (યુવાની વધારનાર) અને ‘વાજીકરણ’ (યૌનશક્તિ વધારનાર) તરીકે ગણવામાં આવે છે. મહર્ષિ ચરકના ‘બૃહણીય મહાકષાય’માં વર્ણિત દ્રવ્યો સાથે તેની સરખામણી કરવામાં આવે છે, કારણ કે તે શરીરની ધાતુઓને પોષે છે અને સ્નાયુઓના પુનઃનિર્માણમાં મદદ કરે છે. આદિવાસી પરંપરામાં તેને ‘શતવીર્યા’ કહેવામાં આવે છે. લાંબી બીમારી પછીની અશક્તિ, સ્ત્રીઓમાં ધાવણ વધારવા, વીર્યવર્ધન, પિત્તશામક અને શ્વેત પ્રદર જેવી સમસ્યાઓમાં તે અત્યંત લાભદાયી માનવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં કરલીની ભાજીનું લસણીયું શાક અને શક્તિવર્ધક મુઠિયાં બનાવવામાં આવે છે. આ વાનગીઓ મકાઈના રોટલા સાથે ખાવાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવે છે.કરલી એક ઉત્તમ ઇન્ડિકેટર સ્પીસીઝ છે. તેનું ઉગવું ચોમાસાના આગમન અને જમીનની સક્રિયતાનું સૂચક છે. તે જંગલી પ્રાણીઓ માટે પણ કુદરતી ખોરાકનો સ્રોત છે.
નોંધ: કરલી ભાજી રાંધતી વખતે લોખંડની કડાઈનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તેના સેપોનિન્સ લોખંડ સાથે પ્રતિક્રિયા કરીને રંગ કાળો કરી નાખે છે. માટીના વાસણ અથવા સ્ટીલની કડાઈ વાપરવી જોઈએ.











