ખેરગામ: અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ખેતી કરતા નાના અને સીમાંત ખેડૂતોના જમીન રેકોર્ડ અને ટાઈટલ ડીડમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા તથા વિશેષ ઝુંબેશ ચલાવવા બાબતે ખેરગામના પ્રખ્યાત સર્જન અને આદિવાસી યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે સરકારને વિગતવાર રજૂઆત કરી છે.

અંગ્રેજોના સમયથી આદિવાસી સમુદાયો જંગલ અને તેની આસપાસની જમીનો પર પરંપરાગત રીતે ખેતી કરતા આવ્યા છે. તે સમયે વહીવટી અજ્ઞાનતા અને આઝાદી પછી પણ કાયદાકીય જટિલતાઓને કારણે તેઓ પોતાની બાપદાદાની જમીનોના સરકારી દસ્તાવેજો કે માલિકી હક (ટાઈટલ ડીડ) નોંધાવી શક્યા નહોતા. પરિણામે અનેક જમીનોના ૭/૧૨ ઉતારામાં નામો, ક્ષેત્રફળ અને વારસાહક (પેઢીનામા)માં ભૂલો રહી ગઈ છે.

ડો. નિરવ પટેલે જણાવ્યું કે, “હાલમાં જમીનના ભાવો વધ્યા છે અને સરકાર વિવિધ કૃષિ સબસિડી તેમજ પ્રોત્સાહનો આપી રહી છે, છતાં ૭/૧૨માં ભૂલો, ટાઈટલ ડીડના અભાવ અને માપણીની વિસંગતતાઓને કારણે આદિવાસી ખેડૂતો આ લાભોથી વંચિત રહી જાય છે. વળી, સ્થાનિક સ્તરે થયેલી માપણીની ભૂલોને કારણે પારિવારિક વિવાદો પણ વધી રહ્યા છે.”

મુખ્ય સૂચનો:
• આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ ખાસ કેમ્પો યોજીને ૭/૧૨ ઉતારામાં નામની ભૂલો, ક્ષેત્રફળની અસંગતતા અને પેઢીનામા ચડાવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવી.
• વર્ષોથી પેઢી દર પેઢી ખેતી કરતા હોવાના પરંપરાગત પુરાવા (જૂના પંચનામા, સ્થાનિક સાક્ષીઓ)ને ગ્રાહ્ય રાખીને ટાઈટલ ડીડ આપવાની પ્રક્રિયા સરળ કરવી.
• સ્થાનિક સ્તરે થયેલી ભૂલો સુધારવા માટે ડ્રોન ટેક્નોલોજી અને આધુનિક પદ્ધતિથી સરકારી ખર્ચે જમીન માપણી કરી સરહદો નક્કી કરવી, જેથી કૌટુંબિક ઝઘડાઓ અટકે.
• કાનૂની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતના ખેતી અંગેના દાખલા આધારે વચગાળાની વ્યવસ્થા કરીને સબસિડી, બિયારણ અને ખાતર જેવા લાભો આપવા.

ડો. પટેલે ઉમેર્યું કે, “આ મુદ્દો આદિવાસી વિસ્તારોમાં ખૂબ સંવેદનશીલ છે. સરકારે વહેલી તકે વહીવટી અને ન્યાયિક નિરાકરણ લાવીને આદિવાસી સમાજને આર્થિક અને સામાજિક ન્યાય આપવો જોઈએ.” આ રજૂઆતને આદિવાસી સમાજમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સરકાર તરફથી સકારાત્મક પગલાંની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here