ખેરગામ: તાલુકાની 40 વર્ષ જૂની પ્રસિદ્ધ ગૌરી આશ્રમ શાળા હાલમાં વહીવટી અને આંતરિક વિવાદોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. શાળામાં અભ્યાસ કરતા આશરે 160 આદિવાસી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આચાર્ય અને સંચાલક મંડળ વચ્ચે આક્ષેપ-પ્રતિાક્ષેપોની ઝડી વરસી રહી છે.
આચાર્ય લતાબેન પટેલના આક્ષેપો
ગૌરી આશ્રમ શાળાના આચાર્ય લતાબેન પટેલે સંચાલક મંડળ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે શાળામાં બાળકો માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પ્રમુખ પાસે જ રહે છે અને તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. શાળામાં માત્ર બે જ શિક્ષકો 160 બાળકોની સંભાળ રાખે છે. મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી અને શાકભાજીમાં માત્ર રીંગણ અને ટામેટા જ આપવામાં આવે છે. રસોઇયા તેમજ શિક્ષકોના પગાર પણ સમયસર ચૂકવવામાં આવતા નથી. આચાર્યે વધુમાં સંચાલકો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
સંચાલક મંડળનો વળતો જવાબ
સંચાલક મંડળના સભ્ય ઉર્મિલાબેન ગરાસિયાએ આચાર્યના તમામ આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે સંસ્થા તરફથી અનાજ અને શાકભાજીનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આચાર્ય પોતાની જવાબદારી નિભાવતા નથી. ઉર્મિલાબેન ગરાસિયાએ આચાર્ય પર સરકારી બોરમાંથી પાણીનું કનેક્શન કાપી નાખવા, સરકારી ટાંકી ઉઠાવી જવા અને સરકારી મિલકતની ચોરીના ગંભીર આક્ષેપો કર્યા છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ગ્રાન્ટ ત્રણ-ત્રણ મહિને આવતી હોવાથી પગારમાં વિલંબ થાય છે, જેના માટે સરકારે એડવાન્સ ગ્રાન્ટ આપવી જોઈએ.
કેબિનેટ મંત્રી નરેશ પટેલનું નિવેદન
આ સમગ્ર વિવાદ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે કહ્યું કે આશ્રમ શાળા તેમના જ મતવિસ્તારમાં આવે છે અને આદિવાસી બાળકોના હિત માટે તેઓ કટિબદ્ધ છે. મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો સંચાલકો અને આચાર્ય વચ્ચે આંતરિક લડાઈ ચાલુ રહેશે તો કોઈ શિક્ષક ત્યાં ટકી શકશે નહીં. ટ્રસ્ટીઓની મુખ્ય જવાબદારી બાળકોને સારી સુવિધાઓ આપવાની છે. જો સુવિધાઓમાં સુધારો નહીં થાય તો વિભાગ દ્વારા નોટિસ આપીને કડક પગલાં લેવામાં આવશે. બાળકોના પોષણ અને શિક્ષણના હિતમાં સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લેશે. આ વિવાદને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ થઈ છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે.











