ડાંગ: વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજ ટ્રેનના જનરલ કોચમાં સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરી વિસ્તારની રેલવે સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મુસાફરી દરમિયાન તેમણે સામાન્ય મુસાફરો અને આદિવાસી વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી.

Decision news ને મળેલી જાણકારી મુજબ આ મુલાકાત દરમિયાન ડુંગરડા ખાતે આવેલ આશરે 110 વર્ષ જૂના રેલવે પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને પુલની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી. સાંસદશ્રીએ પુલની જરૂરી મરામત તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તે માટે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. મુસાફરી દરમિયાન અનેક વડીલો અને સ્થાનિક લોકો સાંસદશ્રી સાથે મળ્યા હતા. ખાસ કરીને કેટલાક વૃદ્ધ માતા-પિતાએ સાંસદશ્રી સાથે મુલાકાત કરતાં ભાવુક બની આંખોમાં ખુશીના આંસુ વ્યક્ત કર્યા હતા. ટ્રેનમાં હાજર મુસાફરોમાં પણ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને અનેક વડીલોએ સાંસદશ્રીને આશીર્વાદ આપી તેમના કાર્યની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આદિવાસી વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી રેલવે સુવિધાઓમાં વધારો, મુસાફરોની સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી.

લોકોની સુવિધા, સલામતી અને વિસ્તારના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી રેલવે માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દ્વારા ડાંગ જિલ્લાના લોકોની લાગણીઓ, માંગણીઓ અને પ્રશ્નોને નજીકથી જાણી યોગ્ય સ્તરે પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here