માંડવી: મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા સમાજ સેવિકા બિજલબેન જગડ અને ડિમ્પલબેન, તેમજ તેમના સાથીદારો હરીશભાઈ ચૌધરી અને રાહુલભાઈ ચૌધરી દ્વારા છેલ્લા ઘણા સમયથી આદિવાસી અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ જ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે તા. 10 અને 11 જૂન, 2026 દરમિયાન અંતરિયાળ વિસ્તારની કુલ 5 શાળાઓમાં લોંગબુક, નહાવાના સાબુ તથા કપડા ધોવાના સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. વિતરણની વિગતો મુજબ શ્રી જ્ઞાનદીપ હાઈસ્કૂલ, ગામતળાવ ખૂર્દ ખાતે 194 વિદ્યાર્થીઓને 780 લોંગબુક અને 400 સાબુ, શ્રી તાપીવન વિદ્યાલય, સરકુઈ ખાતે 170 વિદ્યાર્થીઓને 672 લોંગબુક અને 360 સાબુ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, દેવગઢ ખાતે 200 વિદ્યાર્થીઓને 792 લોંગબુક અને 400 સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારી માધ્યમિક શાળા, ખેરવાડા (તા. ઉકાઈ) ખાતે 45 વિદ્યાર્થીઓને 180 લોંગબુક અને 100 સાબુ તેમજ શ્રી સુખાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બલેઠી ખાતે 310 વિદ્યાર્થીઓને 1240 લોંગબુક અને 620 સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બે દિવસીય આ સેવાકીય અભિયાન દરમિયાન કુલ 919 વિદ્યાર્થીઓને 3,664 લોંગબુક અને 1,880 સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રીઓની આ પહેલથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ થઈ છે તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ પણ પહોંચ્યો છે. શાળા સંચાલકો, શિક્ષકો અને સ્થાનિક આગેવાનોએ દાતાશ્રીઓના આ સેવાભાવી કાર્યને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી આવી પ્રવૃત્તિઓ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here