પ્રતિકાતમ્ક ફોટોગ્રાફ્સ

વલસાડ: તાજેતરમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં ‘લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી 50,000 સીડ-બોલ્સ ફેંકવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ અભિનવ પહેલને આદિવાસી કલ્યાણ અને રોજગારી સાથે જોડીને મોટા પાયે અમલમાં મૂકવાની માંગ સાથે ખેરગામના યુવા લીડર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.

મીડિયા સાથે વાતચીતમાં ડો. નિરવ પટેલે જણાવ્યું કે, “સરકાર ‘ડિજિટલ ગવર્નન્સ’ અને ‘ગ્રીન ગુજરાત’ના વિઝન પર કામ કરી રહી છે. આ સમયે ડ્રોન સીડ-બોમ્બિંગ ટેક્નોલોજીને આદિવાસી વિસ્તારોના વિકાસ અને રોજગારી સાથે જોડવાથી બેવડો લાભ થશે – પર્યાવરણનું જતન અને સ્થાનિકોનું આર્થિક સશક્તિકરણ.”

ડો. નિરવ પટેલની મુખ્ય રજૂઆતના મુદ્દાઓ:
1. મહિલા સખી મંડળોને સીડ-બોલ્સ બનાવવાની રોજગારી
ડ્રોન દ્વારા ફેંકવાના લાખો સીડ-બોલ્સ (માટી, ખાતર અને દેશી બીજના મિશ્રણથી બનેલા) તૈયાર કરવાનું કામ વન વિભાગ દ્વારા સ્થાનિક આદિવાસી મહિલા સખી મંડળો અને સ્વયં સહાયક જૂથોને સોંપવામાં આવે. આનાથી ચોમાસા પહેલાં હજારો મહિલાઓને ઘરબેઠા રોજગારી મળી શકશે.
2. દેશી બીજ સંગ્રહ માટે આર્થિક વળતર
પહાડી વિસ્તારો માટે યોગ્ય વૃક્ષો (મહુડો, ખાખરો, સીતાફળ, બાવળ, લીમડો વગેરે)ના બીજ જંગલમાંથી એકઠા કરવાનું કામ આદિવાસી પરિવારોને આપવામાં આવે અને તેના બદલામાં સરકાર તેમને યોગ્ય આર્થિક વળતર આપે.
3. આદિવાસી યુવાનોને ડ્રોન પાઇલટ તાલીમ
સ્થાનિક આઈ.ટી.આઈ. અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા આદિવાસી યુવાનોને ડ્રોન ઓપરેટિંગ અને મેઈન્ટેનન્સની મફત તાલીમ આપવામાં આવે, જેથી તેઓ આધુનિક ટેક્નોલોજીમાં પારંગત બનીને રોજગાર મેળવી શકે.
4. ‘ગ્રીન કમાન્ડો’ તરીકે વન રક્ષણ
ફેંકેલા બીજમાંથી ઉગેલા છોડ અને વૃક્ષોની દેખરેખ અને સુરક્ષાની જવાબદારી સ્થાનિક આદિવાસી યુવાનોને દૈનિક ભથ્થા સાથે સોંપવામાં આવે.
5. મનરેગા યોજના સાથે જોડાણ
ડ્રોન સીડિંગ વિસ્તારની તળેટીમાં મનરેગા હેઠળ ચેકડેમ, બોરીબંધ અને ટ્રેન્ચિસ જેવા પાણી સંરક્ષણ કાર્યો કરવામાં આવે, જેથી વરસાદી પાણી રોકાય અને બીજ વધુ સારી રીતે ઊગી શકે.

ડો. નિરવ પટેલે ઉમેર્યું કે વિદેશોમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક સમુદાયોના આર્થિક વિકાસને સાથે જોડીને આવા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાત સરકાર વન વિભાગ અને આદિવાસી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “ડ્રોન ફોર ટ્રાઇબલ એમ્પ્લોયમેન્ટ” મોડલ અમલમાં મૂકે તો તે સમગ્ર દેશ માટે આદર્શ બની શકે તેમ છે.
આ પહેલ સફળ થશે તો પથ્થરાળ ડુંગરાળ વિસ્તારો લીલા-છમ છવાઈ જશે અને હજારો આદિવાસી ભાઈ-બહેનોને ગામમાં જ ટકાઉ રોજગારી મળશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here