વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “જળયાત્રા” વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા તાલુકાના રવાણીયા ગામે પહોંચી હતી. બોર્ડર વિસ્તારના ડુંગરાળ અને જંગલી વિસ્તારોમાં નલ સે જલ યોજનાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આ જળયાત્રા શરૂ કરવામાં આવી છે. જળયાત્રામાં ધારાસભ્ય અનંત પટેલે રવાણીયા ગામના સાવરી ફળિયા, ફળિયા અને ડુંગર ફળિયામાં મહિલાઓ સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાણીના કૂવાઓ અને બોરિંગની તપાસ કરી હતી.

ગામમાં 60થી 70 ફૂટ ઊંડા કૂવાઓમાં પણ પાણી નહિવત્ હોવાનું જણાયું. મહિલાઓને માથે દેગડા અને તામડા લઈને દૂરથી પાણી લાવવું પડે છે. પીવાના પાણીની તીવ્ર તકલીફને કારણે અનેક પરિવારોએ ગાય-ભેંસ વેચી દેવી પડી છે અથવા તો પશુઓને સગાસંબંધીઓના ગામે મૂકી દેવા પડ્યા છે. ધારાસભ્ય અનંત પટેલે જળયાત્રા દરમિયાન કહ્યું, નલ સે જલમાં જળ નહીં, પરંતુ જલ સે નલનો ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. ડુંગરાળ વિસ્તારમાં રહેતા ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં, પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવો જરૂરી છે.”

જળયાત્રામાં વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિત, અનંત માહલા, રાજેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય જયસિંહભાઈ અને ગામના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસે આ જળયાત્રા દ્વારા વાંસદા-ચીખલી વિસ્તારના ડુંગરાળ વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યાને સરકાર સમક્ષ ઉઠાવવાની તૈયારી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here