સુરત-તાપી: સુરત અને તાપી જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો અને 1 હજારથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલી અગ્રણી સહકારી સંસ્થા સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 10 જૂન, 2026થી ઉમેદવારી નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થશે, જ્યારે 15 જુલાઈએ મતદાન અને 17 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે. સુમુલ ડેરી આગામી પાંચ વર્ષ માટે કઈ ટીમના નેતૃત્વ હેઠળ કાર્ય કરશે તેનો નિર્ણય આ ચૂંટણીના પરિણામો પરથી થશે. તેથી સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આ ચૂંટણીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થતાં જ વિવિધ જૂથો અને આગેવાનોમાં રાજકીય અને સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ બની છે.

જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 જૂન રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 27 જૂને કરવામાં આવશે અને 29 જૂને માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 4 જુલાઈ નક્કી કરવામાં આવી છે, જ્યારે 6 જુલાઈએ અંતિમ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
સુમુલ ડેરી સાથે સંકળાયેલી એક હજારથી વધુ સહકારી મંડળીઓ અને અઢી લાખથી વધુ પશુપાલકો માટે આ ચૂંટણી મહત્વની બની રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here