નવસારી: આદિવાસી સમાજના ઉત્થાનમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા લીડર તેજસ પટેલે પોતાના જન્મદિવસના અવસરે જીવન, સંઘર્ષ, કૃતજ્ઞતા અને આગળના સંકલ્પોની હૃદયસ્પર્શી વાતો કરીને અનેક લોકોને પ્રેરણા આપી છે. તેજસ પટેલે જીવનના નવા વર્ષમાં પ્રવેશ કરતાં જણાવ્યું કે, “આજે મનમાં કોઈ ઉજવણી કરતાં વધુ કૃતજ્ઞતાનો ભાવ ઉદ્ભવે છે.” તેમણે સમયની સાથે થયેલા બદલાવો, મળેલા અને છૂટી ગયેલા લોકો, સાકાર થયેલા તેમજ હજુ અધૂરા સપનાઓની વાત કરી.
સંઘર્ષ અને નિષ્ફળતાઓની શિક્ષા
પાછળ જોઈને તેમણે કહ્યું, “જીવને મને સુખ કરતાં સંઘર્ષોમાં વધુ શીખવ્યું છે, સફળતા કરતાં નિષ્ફળતાઓએ વધુ ઘડ્યો છે અને પોતાના માટે જીવવા કરતાં બીજાના જીવનમાં પ્રકાશ બનવાનો આનંદ વધુ આપ્યો છે.” તેમણે ભાર મૂક્યો કે આજે તેમની પાસે જે કંઈ છે તે માત્ર વ્યક્તિગત મહેનતનું પરિણામ નથી, પરંતુ માતા-પિતાના આશીર્વાદ, પરિવારના પ્રેમ, મિત્રોના સાથ, ગુરુજનોના માર્ગદર્શન, વિદ્યાર્થીઓના વિશ્વાસ અને અસંખ્ય શુભેચ્છકોની શુભકામનાઓનું ફળ છે.
“હૃદયમાં કમાયેલું સ્થાન જ સાચી સંપત્તિ”
તેજસ પટેલે જીવનના આ મહત્વપૂર્ણ પડાવે સ્પષ્ટ કર્યું કે અંતે માણસ પાસે તેની સંપત્તિ કે સિદ્ધિઓ નહીં, પરંતુ લોકોના હૃદયમાં કમાયેલું સ્થાન જ રહે છે. આ જ વિચારથી તેમની અંદર જીવન પાસેથી મેળવવાની નહીં, પરંતુ જીવનને પરત આપવાની ઈચ્છા વધુ મજબૂત બની છે. તેમણે GGVT દ્વારા આદિવાસી સમાજ સહિત સમાજ, શિક્ષણ, યુવાનો, પ્રકૃતિ અને માનવતાના ઉત્થાન માટે વધુ કાર્ય કરવાનો પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. “કોઈના ચહેરા પર સ્મિત લાવી શકું, કોઈના સપનાને પાંખ આપી શકું એ જ મારી સૌથી મોટી સફળતા રહેશે,” એમ તેમણે જણાવ્યું.
જન્મદિવસનો સંકલ્પ
જન્મદિવસએ તેમણે માત્ર ઉંમર વધવાનો આંકડો નહીં, પરંતુ નવી જવાબદારી, નવી પરિપક્વતા અને નવા સંકલ્પોની શરૂઆત તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. તેમણે ઈશ્વર અને પ્રકૃતિ સમક્ષ પ્રાર્થના કરી છે કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સેવાનો ભાવ, શીખવાની જિજ્ઞાસા અને માનવતા માટે જીવવાનો ઉત્સાહ ક્યારેય ન ઘટે.
અંતમાં તેમણે જીવનયાત્રામાં સાથ આપનારા દરેક વ્યક્તિ, વહેલી સવારથી મળેલા અઢળક શુભેચ્છા સંદેશાઓ અને કોલ્સ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને જન્મદિવસે મળેલા પ્રેમ, આશીર્વાદ તેમજ શુભકામનાઓ માટે સદાય ઋણી રહેવાની વાત કરી છે. તેજસ પટેલનો આ પ્રેરક સંદેશ આદિવાસી યુવાનો સહિત અનેક લોકો માટે જીવનના સાચા મૂલ્યો અને સેવાભાવનાનો આદર્શ બની રહ્યો છે.











