વાંસદા: વાંસદા તાલુકાના અંતરિયાળ ઉપસળ ગામના વતની પાયલકુમારી રવિન્દ્રભાઈ પટેલે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI) ની પ્રતિષ્ઠિત પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. સફળતા બાદ તેમને સુરત ખાતે પોસ્ટિંગ મળતા સમગ્ર ગામ અને આદિવાસી સમાજમાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

પાયલકુમારીએ પોતાની આ સિદ્ધિ માટે સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શનનો સહારો લીધો હતો. આ અગાઉ પણ તેમણે GPSC વર્ગ ૧/૨ ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષા આપી હતી. આ ઉપરાંત, તેમણે ગુજરાત સરકાર દ્વારા સ્પીપા (SPIPA) મારફત લેવાતી પ્રવેશ પરીક્ષા પાસ કરીને ત્યાંની ઉત્કૃષ્ટ ફેકલ્ટી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આખરે પોતાની લગન અને અવિરત પરિશ્રમના બળે તેમણે STI બનીને સરકારી સેવામાં જોડાવાનું સપનું સાકાર કર્યું છે.

પાયલકુમારીના માતા કુસુમબેન અને પિતા રવિન્દ્રભાઈ પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાની દીકરીના શિક્ષણ અને કારકિર્દી માટે સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પિતાના સંઘર્ષ, પરિવારના સહયોગ અને પાયલકુમારીની અનન્ય મહેનતના પરિણામે આજે તેમને ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ હોદ્દા પર સફળતા મળી છે. પાયલકુમારીની આ નોંધપાત્ર સફળતા ખાસ કરીને પરિણીત મહિલાઓ, દીકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે એક ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here