ડાંગ: આહવામાં પોલીસ કર્મચારી દ્વારા વાહનચાલકો પાસેથી દંડના નામે રૂપિયા વસૂલવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તીવ્ર વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારી આહવા-સુબિર વન વિભાગના ટીમ્બર ડેપો ચેકપોસ્ટ પાસે વાહનચાલક પાસેથી રોકડા લઈને પોતાના ખિસ્સામાં મૂકતો દેખાય છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે પોલીસ કર્મચારી વાહનચાલક સાથે વાતચીત કરતાં કહે છે, “ઘણા દંડ થઈ શકે, પરંતુ માત્ર સીટ બેલ્ટનો જ મેમો આપું છું.” ત્યારબાદ તે વાહનચાલક પાસેથી રૂપિયા લઈને પોતાના ખિસ્સામાં મૂકે છે. વાહનચાલકે જણાવ્યું હતું કે તેમને મેમો સાથે રોકડા પણ આપવા પડ્યા હતા.

લગ્ન સિઝનમાં વાહનોની અવરજવર વધતાં આવી ઉઘરાણીના આક્ષેપો વારંવાર સામે આવતા હોવાનું સ્થાનિકો કહે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગની કામગીરી, પારદર્શિતા અને જવાબદારીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં પણ આ મામલે તીવ્ર ચર્ચા ચાલી રહી છે.

આ મામલે અત્યાર સુધી પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. તપાસ અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાથી વહીવટી તંત્ર પર દબાણ વધ્યું છે. સ્થાનિકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિત પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here