ડાંગ: ડાંગ જિલ્લાના પિંપર ગ્રામ પંચાયત હેઠળ આવતા ધૂળચૌંડ ગામના ટેમ્બરૂન ફળિયાના રહીશો વર્ષોથી પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે. આ ફળિયામાં લોકોની સતત અવરજવર રહેતી હોવા છતાં અત્યાર સુધી વહીવટી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ટેમ્બરૂન ફળિયામાં જવા માટેનો માર્ગ કાચો હોવાથી દર વર્ષે ચોમાસામાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાય છે. ખેતીકામ માટે જતા ખેડૂતો અને શાળાએ જતા બાળકોને આ માર્ગ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. આગામી દિવસોમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે, ત્યારે આ વર્ષે પણ રસ્તો ન બને તો હાલાકી વધશે તેવા સંકેતો મળી રહ્યા છે.
ગ્રામજનોનો આરોપ છે કે આ બાબતે અનેકવાર પંચાયત અને ઉચ્ચ કક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળ્યું છે, કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હદ થઇ ગઈ છે હવે તો..











