નવીન: સરકાર વિનાશને વિકાસના કપડાંમાં રજૂ કરવામાં આવે છે ! Great Nicobar Island Development Project-ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ શું છે? ANIIDC- Andaman and Nicobar Islands Integrated Development Corporation આ સરકારી સંસ્થા છે, જે આ પ્રોજેક્ટની અમલ કરાવશે. પ્રોજેક્ટની યોજના NITI Aayog દ્વારા કરવામાં આવી છે.
આ યોજના નિકોબાર ટાપુઓમાં સૌથી મોટા ટાપુ ગ્રેટ નિકોબાર પર અમલમાં મૂકવામાં આવી રહી છે. આશરે ₹72,000 કરોડથી ₹81,000 કરોડની અદાણી પોર્ટ્સ (Adani Ports & SEZ) સહિત 10-11 કંપનીઓ, જેમ કે JSW Infrastructure, Essar Ports, CONCOR વગેરેએ International Container Transshipment Terminal માટે Expression of Interest (EOI) આપી છે. હજુ કોઈ ફાઈનલ કોન્ટ્રાક્ટ થયો નથી. પ્રોજેક્ટ PPP (Public-Private Partnership) મોડલ પર હોઈ શકે છે, અંતિમ નિર્ણય બાકી છે.
આ યોજના છે. આ યોજનામાં શું બનશે ?
[1] ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ: એક મોટું બંદર જે વિશ્વના દરિયાઈ વેપાર માર્ગ પર ભારતની પકડ મજબૂત કરશે. બનશે. વિદેશી બંદરો (જેમ કે સિંગાપુર, કોલંબો) પરની નિર્ભરતા ઘટાડવી.
[2] ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે જે મુસાફરો અને સંરક્ષણ બંને માટે ઉપયોગી બનશે. ચીનના વધતા પ્રભાવ સામે ભારતીય સેનાની હાજરી મજબૂત કરવી.
[3] પાવર પ્લાન્ટ બનશે, ગેસ અને સોલાર આધારિત, 450 MVA.
[4] ટાઉનશિપ/શહેર બનશે, લગભગ 160-166 ચો. કિ.મી. વિસ્તારમાં. આર્થિક વિકાસ, રોજગાર અને ટૂરિઝમ.
આ પ્રોજેક્ટનો વિરોધ કેમ થઈ રહ્યો છે ?
(1) પર્યાવરણીય અસર: આશરે 130 ચો. કિ.મી. વર્જિન રેઈનફોરેસ્ટ (લગભગ 1.8% જંગલ) કપાશે. પ્રાણી-પક્ષીઓ (લેધરબેક કરચલા, માઇગ્રેટરી પક્ષીઓ વગેરે) પર જોખમ ઊભું થશે. કોરલ રીફ, સમુદ્રી ઇકોસિસ્ટમને નુકસાન થશે.
(2) આદિવાસી સમુદાયો પર અસર: શોમ્પેન (જે એક ખૂબ જ સંવેદનશીલ આદિવાસી જૂથ છે) અને સધર્ન નિકોબરીઝ જેવા આદિવાસીઓના વસવાટ, શિકાર અને જીવનશૈલીને નુકસાન થશે. જમીન વિસ્થાપન, રોગોનું જોખમ, સાંસ્કૃતિક વિનાશ થશે. પારદર્શિતાના અભાવ છે. કુદરત અને આદિવાસીઓ વિરુદ્ધનો ગુનો છે.
સરકારની દલીલ છે કે માત્ર જંગલનો નાનો ભાગ (1.82%) જંગલ વપરાશે. આદિવાસીઓના હિતનું રક્ષણ કરવામાં આવશે (Shompen Policy અનુસાર) પ્રોજેક્ટ રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ માટે જરૂરી છે. પ્રોજેક્ટને NGT-નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ક્લિયરન્સ આપ્યું છે.
થોડા મુદ્દાઓ:
[1] મોદીજીની મથરાવટી મેલી છે! તેમણે 2014થી 2026 દરમિયાન એક પણ પગલું એવું નથી લીધું કે ગરીબ/ મધ્યમ વર્ગને રાહત થાય. તેમણે કોર્પોરેટ મિત્રોને લાભ થાય/ તેમનો વિકાસ થાય તેવાં જ પગલાં લીધાં છે.
[2] આજે, વિશ્વભરની સરકારો અને કોર્પોરેશનો નફા માટે સદીઓ જૂના જંગલોનો નાશ કરી રહ્યા છે, જેનાથી ત્યાં રહેતા આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે. પર્યાવરણીય વિનાશ પણ ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી રહ્યો છે, જેના કારણે અનિયમિત વરસાદ, દુષ્કાળ અને પૂરનો સામનો કરવો પડે છે. ઓડિશા, બસ્તર અને ઝારખંડમાં કિંમતી ખનિજો અને કોલસો કાઢવા માટે સદીઓ જૂના જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે, અને ત્યાં રહેતા આદિવાસીઓ વિસ્થાપિત થઈ રહ્યા છે. લગભગ 10 વર્ષથી, આદિવાસીઓ ઓડિશાના હાંસદેવ જંગલોને બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. અહીંની જમીનમાં કોલસાનો વિશાળ જથ્થો છે, અને અદાણીની કંપની તેનું શોષણ કરવા માટે આ સમગ્ર જંગલ વિસ્તારનો નાશ કરવા માટે તત્પર છે.
[3] કોઈપણ વિકાસ યોજના જે ક્ષેત્રમાં લાગુ કરવામાં આવે છે તેમાં ઓછામાં ઓછી ચાર ભૂમિકાઓ હોય છે: પ્રથમ, મૂડી, બીજું, સમુદાય, ત્રીજું, પર્યાવરણ અને ચોથું, રાજ્ય. આજના સંદર્ભમાં, રાજ્ય અને મૂડી સાથે જોડાઈ ગયા છે. એટલે રાજ્ય ઘણીવાર સમુદાયોને તેમના સંસાધનોમાંથી વિસ્થાપિત કરે છે. ઘણીવાર કાનૂની પ્રક્રિયાઓ દ્વારા તેમને મૂડીના હિતોને અનુસરીને સાધનહીન બનાવે છે. વિસ્થાપિત લોકોને હેરાનગતિ થાય છે. આ પ્રક્રિયામાં પર્યાવરણ એક શાંત પક્ષ છે, જેનો અવાજ ફક્ત થોડા વ્યક્તિઓ દ્વારા જ સાંભળવામાં આવે છે. સત્તા હંમેશા ક્રોની કેપિટાલિઝમને મદદ કરે છે. ઉદ્યોગપતિઓનો વિકાસ અને આદિવાસી/ પર્યાવરણનો વિનાશ! સત્તાની યુક્તિ હંમેશા એવી હોય છે કે વિનાશને વિકાસના કપડાંમાં રજૂ કરવામાં આવે છે.
[4] રાહુલ ગાંધી 28 એપ્રિલ 2026ના રોજ કેમ્પબેલ ખાડીમાં નિકોબારી સમુદાયના નેતાઓને મળ્યા હતા. તેમની રજૂઆત હતી કે ‘આ પ્રોજેક્ટ વિશે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. અમને એ પણ ખબર નથી કે અમને અમારી જમીન માટે કેટલું વળતર મળશે? સરકાર આ બધું ગુપ્ત રીતે કરી રહી છે.’ સરકારે રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન 28 એપ્રિલથી 1 મે સુધી નિકોબાર ટાપુઓ માટે હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત કરી દીધી હતી. સરકાર વિપક્ષના નેતાની આ હાલત કરતી હોય તો લોકોની સાથે સારો વ્યવહાર કરે તેવી અપેક્ષા કઈ રીતે રાખવી?
[5] આપણાં દરબારી મીડિયા પર્યાવરણના પ્રશ્ને સરકારને/ મોદીજીને પ્રશ્નો પૂછતા નથી. ગરીબ/ મધ્યમ વર્ગના હિતો વિશે ડીબેટ કરતા નથી. આપણી અદાલતો ‘વનતારા’ને મંજૂરી આપે છે. અદાણી/ અંબાણીના હિત હોય ત્યાં મીડિયા ચૂપ રહે છે, અદાલતો પણ કોર્પોરેટ ગૃહોની તરફેણ કરે છે. સરકારને/ મીડિયાને/ અદાલતોને/ ધર્મગુરુઓને ગરીબો/ વંચિતો/ ખેડૂતો/ આદિવાસીઓની કોઈ ચિંતા નથી !
BY: રમેશ સવાણી [3 મે 2026]











