સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કોલેજ વિદ્યાર્થિનીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થિનીઓની ઓળખ ૧૮ વર્ષીય રોશની શરદ શિરસાઠ અને ૨૦ વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી તરીકે થઈ છે. બંને ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી અને નાનપણની સખીઓ હતી.
Decision News એ મેળવેલ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, બંને યુવતીઓએ શુક્રવાર (૬ માર્ચ) સવારે રાબેતા મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ બપોર સુધીમાં ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત થયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તકનીકી માધ્યમથી તેમનું લોકેશન ટ્રેસ કરતા શનિવાર (૭ માર્ચ) સવારે મંદિર પરિસરમાં તેમની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
મંદિરના CCTV ફૂટેજમાં બંને યુવતીઓ સવારે આશરે ૭:૧૫ વાગ્યે મંદિર પરિસરમાં પ્રવેશતી અને લગભગ ૭:૩૦ વાગ્યે બાથરૂમ તરફ જતી જોવા મળી છે. પોલીસ અને FSL ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના દિશામાં પોલીસ વધુ તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને મિત્રો સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ભારે આઘાત પહોંચાડ્યો છે











