વાંસદા: ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વાંસદા વિધાનસભા વિસ્તારમાં મુસ્લિમ સમાજના મતદારોના નામ કમી કરવા માટે અપાયેલી વાંધા અરજીઓ સામે વિરોધ નોંધાવવા ગયેલા મુસ્લિમ સમાજના આગેવાનોને વહીવટી તંત્રના કડવા અનુભવનો સામનો કરવો પડ્યો છે. વાંસદા પ્રાંત અધિકારી દ્વારા દાખવવામાં આવેલા અસહયોગી વલણને કારણે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને છેવટે સમાજના લોકો આવેદનપત્ર આપ્યા વગર જ કચેરી છોડીને ચાલ્યા ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંસદા તાલુકાના મુસ્લિમ સમાજના સેંકડો લોકો શાંતિપ્રિય રીતે પોતાની રજૂઆત કરવા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ પ્રાંત અધિકારીએ તેમને મળવામાં કે નીચે આવીને આવેદનપત્ર લેવામાં ઉદાસીનતા દાખવી હતી. લોકો કલાકો સુધી કચેરીની બહાર ઉભા રહ્યા હોવા છતાં અધિકારી બહાર આવ્યા ન હતા. મુસ્લિમ સમાજ કચેરીના બીજા માળે ઓફિસથી માત્ર 20 મીટરના અંતરે બે કલાક સુધી બેસી રહ્યો હતો, તેમ છતાં પ્રાંત અધિકારીએ પોતાની ચેમ્બરની બહાર આવવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. તેમણે સંદેશો પાઠવ્યો હતો કે જો આવેદનપત્ર આપવું હોય તો 20-30 જણાએ અંદર ચેમ્બરમાં આવવું પડશે. બીજી તરફ, મોટી સંખ્યામાં ઉમટેલા લોકોની માંગ હતી કે લોકશાહીમાં અધિકારીએ જનતાની વચ્ચે આવીને રજૂઆત સાંભળવી જોઈએ.વહીવટી તંત્રના આ પ્રકારના ‘ઓરમાયા’ વર્તનથી રોષે ભરાયેલા મુસ્લિમ સમાજના લોકોએ કચેરી પરિસરમાં જ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. “હમ હમારા હક માંગતે હૈ, નહીં કિસીસે ભીખ માંગતે હૈ” ના નારાઓથી કચેરી ગુંજી ઉઠી હતી.
સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે ભેદભાવભર્યું વલણ દાખવવામાં આવી રહ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, મુસ્લિમ સમાજના ૬૫૦થી વધુ મતદારોના નામ કાઢી નાખવા માટે કોઈ પણ પ્રકારના પુરાવા વગર ફોર્મ નં-૭ ભરીને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર રચાયું છે.સામાન્ય રીતે વહીવટી તંત્ર “લોકાભિમુખ” હોવું જોઈએ. જ્યારે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા આવે, ત્યારે કચેરીની અંદર નાની જગ્યામાં અફરાતફરી ટાળવા અને સરકારી કામકાજમાં ખલેલ ન પહોંચે તે હેતુથી અધિકારી જાતે બહાર આવીને આવેદન સ્વીકારે તે એક શ્રેષ્ઠ વહીવટી પરંપરા છે.
પ્રાંત અધિકારી જો ચેમ્બરની બહાર આવીને રજૂઆત સાંભળે, તો તેમાં કોઈ કાયદાનું ઉલ્લંઘન થતું નથી. ઉલટું, તે દર્શાવે છે કે તંત્ર જનતાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ છે. પરંતુ વાંસદા પ્રાંત અધિકારીએ જિદ્દી વલણ અપનાવીને જણાવ્યું કે, “આવેદન આપવું હોય તો 20-30 જણાએ અંદર આવવું પડશે, હું બહાર નહીં આવું.” આ પ્રકારના વલણને કારણે લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું અધિકારી જનતાનો સામનો કરવાથી ડરી રહ્યા છે કે પછી તેઓ જાણીજોઈને કોઈ ચોક્કસ સમુદાયની અવગણના કરી રહ્યા છે ? પ્રાંત અધિકારીએ આવેદન સ્વીકારવાનો ઇનકાર કરતા હવે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ મુસ્લિમ સમાજના આગેવાન મુસ્લિમ સમાજ અગ્રણી ઈલયાસ પ્રાણીયાએ પ્રાંત અધિકારીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, “પ્રાંત અધિકારીએ જેટલો સમય અમને મળવામાં એટીટ્યુડ (વલણ) બતાવ્યો અને નીચે ન ઉતર્યા, એટલો જ એટીટ્યુડ રાખીને જો તેઓ સીસીટીવી કેમેરા તપાસીને ખોટા ફોર્મ નં-૭ ભરનારાઓને પકડી પાડશે, તો તે દિવસે મુસ્લિમ સમાજ જાહેર મંચ પરથી પ્રાંત અધિકારીનું ભવ્ય સન્માન કરશે.”











