પુણે: આજે 178 વર્ષ પહેલાં, 1 જાન્યુઆરી 1848 ના રોજ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય લખાયો હતો. સામાજિક સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફુલે દ્વારા પુણેના ભીડેવાડામાં દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળા માત્ર છોકરીઓના શિક્ષણનો પ્રારંભ જ નહીં, પરંતુ સ્ત્રી મુક્તિ અને સામાજિક સમાનતાના આંદોલનનું પ્રતીક બની.

ગરીમા અને વિરોધો વચ્ચે શરૂ થયેલી આ શાળામાં સાવિત્રીબાઈ ફુલે દેશના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા. તે સમયે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવું કે શિક્ષણ લેવું પણ પાપ માનવામાં આવતું હતું. જાતિવાદ અને પુરુષપ્રધાન સમાજના કડક વિરોધ વચ્ચે ફુલે દંપતીએ આ ક્રાંતિકારી પગલું ભર્યું. સાવિત્રીબાઈને શાળાએ જતાં પથ્થરો અને છાણા સુધ્ધાં ફેંકવામાં આવતા, પરંતુ તેમણે હાર ન માની.

ડૉ. નીરવ પટેલ જેવા વિદ્વાનો આ વાત પર ભાર મૂકે છે કે, આજે ભારતની મહિલાઓ જ્યારે શિક્ષણ અને સ્વતંત્રતાનો અધિકાર માણી રહી છે, ત્યારે તેમના મુક્તિદાતા મહાત્મા જ્યોતિબા ફુલે અને માતા સાવિત્રીબાઈ ફુલેને યાદ કરવું જરૂરી છે. તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન. આ ઘટના આજે પણ લાખો મહિલાઓને પ્રેરણા આપે છે કે અંધકારમાંથી પ્રકાશ તરફનો માર્ગ શિક્ષણમાંથી જ જાય છે.