સાપુતારા: ગતરોજ સાપુતારા ખાતે રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ, દ્વારા આયોજિત 10 મી રાજ્યકક્ષાની એથલેટીક્સ સ્પર્ધા – 2025 નો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ-2010માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનોનો રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓ સિદ્ધિઓ મેળવે તે નિર્ણય સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યના 11 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કોઈ પણ દેશ ત્યારે જ સશક્ત બને છે, જ્યારે તે દેશના યુવાઓ સશક્ત બને. ખેલ મહાકુંભ જેવા માધ્યમથી ગુજરાતના યુવાનો આજે રમત ગમત ક્ષેત્રે પોતાની સુવર્ણ કારકિર્દી ઘડવાની સાથે દેશ- રાજ્યનું પણ નામ રોશન કરી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “રમશે ગુજરાત, જીતશે ગુજરાત” અને ‘ખેલે તે ખીલે’ જેવા મંત્ર સાથે શરુ કરેલા ખેલ મહાકુંભે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાવાન બાળકો-યુવાઓના સપનાને નવી પાંખ આપી છે. રાજ્યના નાગરિકોની રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાય અને રમત-ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

કાર્યક્રમમાં એસોસિઅન દ્વારા રાજ્યમાં યોજાયેલ વિવિધ રમતોમાં વિજેતા થયેલ તમામ ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચામાં મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, ડાંગ જિલ્લા ભાજપા સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ભાજપા મહામંત્રી શ્રી હરિરામ સાંવત, આંતરરાષ્ટ્રીય ખો-ખો સ્પર્ધાના ખેલાડી કુ. ઓપીના ભીલાર, સહિત પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશભાઈ પટેલ, નોડિફાઈડ એરિયા કચેરીના નાયબ મામલતદાર શ્રી પી. વી. પરમાર, સહિતના માસ્ટર ખેલકુદ મંડળના પ્રમુખ, સભ્યોશ્રીઓ રાજ્યના વિવિધ જિલ્લાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here