સાપુતારા: ગુજરાતના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા 3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ “રેંકડી બજાર”ની 30 દુકાનોની ફાળવણીમાં મોટા પાયે કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપ સામે આવ્યા છે. 1996 પહેલાં પોતાની જમીનો દેશહિતમાં કુરબાન કરનાર 100 થી 150 મૂળ આદિવાસી પરિવારો (હાલ નવાગામ વિસ્થાપિત)ને અવગણીને દુકાનો પરપ્રાંતીય અને બહારગામના લોકોને આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ડો. નિરવ પટેલની રજૂઆત
નવસારી જિલ્લા આદિવાસી સમાજ પ્રમુખ અને ખેરગામના યુવા સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ સ્થાનિક આદિવાસીઓની ફરિયાદના આધારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ડાંગ જિલ્લા કલેક્ટરને વિગતવાર રજૂઆત કરી છે. મુખ્ય આરોપોની વાત કરીએ તો 1 મૂળ વિસ્થાપિત આદિવાસી પરિવારોને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે. 2 નોટિફાઈડ એરિયા કચેરીના કેટલાક અધિકારીઓની મિલીભગતથી બહારગામના વગદારોને દુકાનો ફાળવવામાં આવી.
3 ફાળવણી મેળવનારાઓ દુકાનો ગેરકાયદેસર રીતે સબ-લેટિંગ (ભાડે) આપીને મોટી કમાણી કરી રહ્યા છે. 4 વિસ્થાપન સમયે આપેલા વચનનું ભંગન થયું છે, જેમાં સ્થાનિક આદિવાસીઓને રોજગાર અને દુકાનોમાં પ્રાથમિકતા આપવાની ખાતરી હતી.
આજે ચાર દાયકા પછી પણ આ આદિવાસી પરિવારો ગરીબી અને બેરોજગારીમાં જીવી રહ્યા છે, જ્યારે બહારના લોકો સરકારી યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે.
આદિવાસીઓની માંગણીઓ
ડો. નિરવ પટેલે નીચે મુજબની માંગણીઓ કરી છે:
1. SIT તપાસ: ડાંગ કલેક્ટરની દેખરેખ હેઠળ અથવા ગાંધીનગર સ્તરેથી સ્વતંત્ર કમિટી દ્વારા તમામ ૩૦ દુકાનોની ફાળવણીની તપાસ કરવામાં આવે.
2. ગેરકાયદેસર ફાળવણી રદ: બહારના લોકો અને સબ-લેટિંગ કરનારાઓની ફાળવણી તાત્કાલિક રદ કરવામાં આવે.
3. પારદર્શક પુન:ફાળવણી: દુકાનો માત્ર મૂળ ૧૯૯૬ પહેલાના વિસ્થાપિત આદિવાસી પરિવારોના વારસદારોને જ યોગ્ય ચકાસણી પછી આપવામાં આવે.
આદિવાસી સમાજે ચેતવણી આપી છે કે જો ત્વરિત પગલાં નહીં લેવાય તો વ્યાપક આંદોલન કરવામાં આવશે.











