ડાંગ: ડાંગ જિલ્લાના વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ-2025ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે સંભાળ્યું હતું.આ સપ્તાહ દરમિયાન વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
પુસ્તક પ્રદર્શન, ચિત્રકામ-પોસ્ટર સ્પર્ધા અને શાળાઓમાં ક્વિઝ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે, વન્ય જીવનનું સંરક્ષણ પ્રકૃતિના સંતુલન માટે અત્યંત આવશ્યક છે. તેમણે દરેક નાગરિકમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સંવર્ધનની ભાવના વિકસે તે પર ભાર મૂક્યો હતો.
દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વન્ય જીવનના સંવર્ધન અને પર્યાવરણ જાગૃતિ અંગે ચર્ચા કરવાનો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક નીરજ કુમાર, મદદનીશ વન સંરક્ષક આરતી ભાભોર, આર.એફ.ઓ. સહિત વન વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.











