નવસારી: નવસારી જિલ્લાના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય શાકમાર્કેટમાં શાકભાજી સિવાય હેતુફેર કરી અન્ય ધંધો કરનારા 100 થી વધુ વેપારીઓને મહાપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર મહાપાલિકા સંચાલિત માર્કેટનુ મકાન જ્યારે વર્ષો અગાઉ પાલિકાએ બનાવ્યું ત્યારે તેમાં શાકભાજીનો ધંધો થાય એવો ઉદ્દેશ હતો, જોકે સમય જતા શાકભાજીનું વેચાણ ઘટ્યું અને કટલરી, કપડાં, જવેલરી સહિતનો વેપાર વધી ગયો અને આજે પણ એમ જ છે. આ બાબત હવે મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવતા શાકભાજી સિવાય અન્ય ધંધો કરનારા અંદાજે 100થી વધુ વેપારીઓને નોટિસ ફટકારી છે.

આ નોટિસમાં ધંધાનો હેતુફેર કરાયાનુ જણાવ્યું છે. આ સાથે 7 દિવસમાં શાકભાજીનો ધંધો શરૂ કરી દેવા તાકીદ કરી છે. જો એમ નહીં કરાય તો દુકાનના ઓટલાનો કબજો મહાપાલિકા પરત લેશે એવી ચીમકી પણ આપી છે. આ નોટિસના પગલે વેપારીઓએ નેતાઓનું શરણું લીધું હોવાની જાણકારી મળી છે.