વલસાડ: વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલા એક દુકાનદાર સાથે મોબાઈલ ઓનલાઈન પેમેન્ટના બહાને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મોન્ટુ નામના શખ્સે પહેલા વિશ્વાસ કેળવી પછી 52,000 રૂપિયાની ઠગાઈ કરી છે.
ઘટના મુજબ, 8 માર્ચના રોજ મોન્ટુએ દુકાનદાર પાસેથી ગૂગલ પેથી 1,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં અને રોકડા ચૂકવ્યાં હતા. બીજા દિવસે તે ફરી આવ્યો અને 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી. Decision News ને મળેલી માહિતી અનુસાર તેણે નવા સિમકાર્ડનું બહાનું બનાવ્યું હતું. દુકાનદાર સિમકાર્ડ લેવા ગયા ત્યારે મોન્ટુએ તેમનો મોબાઈલ માંગ્યો હતો. થોડી વારમાં તે ભાઈનો ફોન ન લાગવાનું કહી નીકળી ગયો હતો. 15 મિનિટ બાદ દુકાનદારે ચેક કરતા જાણ્યું કે, તેમના બે બેંક એકાઉન્ટમાંથી કુલ 52,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે.પંજાબ નેશનલ બેંકમાંથી 27,000 અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી 25,000 રૂપિયા સત્યમ દિનેશ સિંહના ખાતામાં ટ્રાન્સફર થયા છે.
દુકાનદારે તરત જ તેમના પિતા દિનેશચંદ્ર મોર્યાને જાણ કરી અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોન્ટુની ઓળખ અને સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે. આરોપીએ પહેલા નાની રકમનું ટ્રાન્ઝેક્શન કરી વિશ્વાસ સંપાદન કર્યો અને પછી મોટી રકમની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. વલસાડ સીટી પોલીસે ફરિયાદ નોંધી કેસમાં સંડોવાયેલા ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

