ભરૂચ:ભરૂચના વાલીયા ખાતે ગણેશ ગાર્ડન રહેતા જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમની પત્ની લતાબેન બોરાધરા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ અચાનક તેમનું મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ બારીમાંથી અંદર જોતા લોહીલુહાણ મૃત હાલતમાં પડેલા ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ ને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે દરવાજો તોડી તપાસ કરતા અંદરથી શિક્ષક દંપત્તિના લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વાલીયા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Decision news ને મળેલી જાણકારી મુજબ ઘટના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે અંગે હજુ સુધી શિક્ષક દંપત્તીની હત્યા થઈ છે કે આત્મહત્યા એ અંગે હજુ જાણી શકાયું નથી અને આ બાબતે રહસ્ય ઘૂંટાય રહ્યું છે. વાલીયા પોલીસ દ્વારા મૃતદેહોનો કબજો લઈ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના કારોબારી સભ્ય એવા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાધરા વાલીયા ના વિજયનગર ખાતે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા અને એમની ધર્મપત્ની લતાબેન બોરાધરા વાલીયા ના ભીલોડ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેમની આજરોજ તેમના નિવાસસ્થાને થી લોહીલુહાણ હાલતમાં મળેલ મૃતદેહોથી સમગ્ર શિક્ષણ જગતમાં અને વાલીયા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર ભરૂચ જિલ્લામાં મૃત્યુ અંગે વાયુવેગે વાત પ્રસરી ગઈ છે.