ભરૂચ: વાગરા તાલુકાના ભૈરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઈશ્વર રાઠોડ ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ કેમિકલ કંપની પાસેના ખાલી પ્લોટ પરથી પાણીનું ટેન્કર લેવા ગયો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ પરત ફરતા તેના ટ્રેક્ટરનું સ્ટિયરિંગ કાબૂ બહાર જતાં વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું.આ દરમિયાન ટ્રેક્ટર અને ટેન્કર બંને પલટી ગયા હતા.દુર્ઘટનામાં ઈશ્વર ટ્રેક્ટર પરથી કૂદી શક્યો નહીં અને વાહન નીચે દબાઈ ગયો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રેન બોલાવીને ટ્રેક્ટર અને ટેન્કરને ઉંચા કરી ઈશ્વરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મામલે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.