ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડેપોમાંથી સવારના પોણા છ વાગ્યાના સમયે ઝઘડિયાથી કારંટા માટેની બસ વર્ષોથી ચાલતી હતી. પાછલા કેટલાક સમયથી ઝઘડિયા કારંટા બસ ઝઘડિયા ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવતા ભરૂચ નર્મદા સહિત છોટાઉદેપુર પંચમહાલ જિલ્લાના આ બસનો ઉપયોગ કરતા મુસાફરોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઝઘડિયાથી કારંટા માટેની બસસેવા વર્ષોથી ચાલતી હતી. ઝઘડિયાથી રાજપીપલા વચ્ચેની પટ્ટી પરના ગામોના મુસાફરો તેમજ કેવડીયા દેવલીયા બોડેલી હાલોલ ગોધરા લુણાવાડા વિસ્તારના આ બસનો લાભ લેતા મુસાફરોને ઝઘડિયા ડેપો સત્તાવાળાઓના મનસ્વી નિર્ણયથી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. આ બસ સવારે ઝઘડિયાથી નીકળીને કારંટા પહોંચ્યા બાદ ત્યાંથી પરત ઝઘડિયા આવતી હતી.

ઝઘડિયા ડેપો મેનેજરનો આ બાબતે Decision News દ્વારા સંપર્ક કરતા તેમણે સ્ટાફ ઓછો હોવાનું જણાવ્યું,પરંતું ઝઘડિયા ડેપોમાંથી લોકલ અને લાંબા અંતરના ઘણા રુટો માટે નિયમિત બસો ચાલતી હોય છે ત્યારે ઓછા સ્ટાફનું ગ્રહણ લાંબા અંતરની ઝઘડિયા કારંટા બસને જ નડ્યું?! અને જો સ્ટાફ ઓછો હોયતો અન્ય નવા રુટ કેવી રીતે શરૂ કરાય છે ? વળી જો સ્ટાફની કમી જ હોય તો ઝઘડિયા ડેપો સત્તાવાળાઓ ડિવિઝનલ કે રાજ્ય સ્તરે રજુઆત કરીને સ્ટાફની કમીની પૂર્તિ ના કરી શકે? કે પછી કારંટાના રુટની બસ કાયમ માટે બંધ કરી દેવાનો ઇરાદો તો નથીને ? ત્યારે ભરૂચ એસટી ડિવિઝનના સત્તાધીશો પણ વિશાળ મુસાફર જનતાના હિતમાં તાકીદે આ બાબતે યોગ્ય કરવા આગળ આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.