ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર રેતીનો સ્ટોક કરાયેલ ઢગલાઓનો પાછલા કેટલાક સમયથી જાણે રાફડો ફાટ્યો છે ! ઉમલ્લાથી રાજપારડી ઝઘડિયા રોડ નજીકના વિસ્તારોમાં તેમજ અન્ય ગ્રામ્ય માર્ગો નજીક ઠેરઠેર મહાકાય રેતીના ઢગલા નજરે પડે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સામાન્યરીતે રેતીનો સ્ટોક કરવાની જગ્યા ખેતી સિવાયના ઉપયોગ માટે N A કરેલ હોવી જોઇએ,ઉપરાંત જથ્થો રાખનારે જેટલો સ્ટોક રાખવાનો હોય તેને લગતી જરુરી પરવાનગી લેવાની હોય છે, પરંતુ આ નિયમોની કેટલાક સ્ટોક ધારકો દ્વારા ધરાર અવગણના કરાતી હોવાની વ્યાપક લોક બુમો ઉઠી રહી છે, પરંતું જાણે ઘીના ઠામમાં ઘી પડી રહેતું હોય એમ બધું રાબેતા મુજબ બેરોકટોક ચાલતું હોય છે. તાલુકામાં મોટાભાગે ઉમલ્લા રાજપારડી વિસ્તારમાં ઘણા રેતીના મહાકાય ઢગલાઓ ઉભા છે. ઉપરાંત આ વિસ્તારોમાં ગ્રામ્ય માર્ગો પર પણ અસંખ્ય રેતીના ઢગલા જોવા મળે છે. લાંબા સમયથી રેતીના ઢગલાઓનું વિશાળ માર્કેટ તાલુકામાં અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારે સવાલ અહિં એ ઉભો થાય છે કે આ બધા ઢગલા કાયદેસર રીતે N A થયેલ જમીનો પર ખડકાયા છે કે પછી લોલમલોલ જેવી સ્થિતિ છે ? ઉપરાંત રેતીનો કેટલો સ્ટોક કરવાનો છે તેને લગતી પરવાનગી પણ જરુરી ગણાય, પરંતું આમાં પણ સરેઆમ નિયમ ભંગ થતો હોવાની લોક ચર્ચાઓ ઉઠી રહી છે. રેતીનો સ્ટોક જ્યાં કરાયો હોય તેની જાણ જેતે ગ્રામ પંચાયતને કરાય છે ખરી ? કે પછી જાણ કરવાનું જરૂરી નથી લાગતું ?

ઉલ્લેખનીય છે કે આપણા વહિવટી માળખામાં ગ્રામ પંચાયત લોકોના પ્રથમ સંપર્કમાં ગણાય છે, ત્યારે જે તે ગ્રામ પંચાયતે પોતાના વિસ્તારમાં થતી આવી ધંધાકીય પ્રવૃત્તિઓની જાણ રાખવી જરુરી ગણાય. કેટલાક રેતીના ઢગલા રહેણાંક વિસ્તારોને અડીને ઉભા કરાતા હોઇ તેને લઇને માનવ રહેણાંક વિસ્તારોને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું પણ સ્વિકારવું રહ્યું. પવનના કારણે રેતી ઉડતા માણસોને તેમજ વાહન ચાલકોને તકલીફ પહોંચે તે બાબત પણ સ્વાભાવિક ગણાવી જોઇએ. ત્યારે હાલ ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલ રેતીના ઢગલાઓની સઘન તપાસ કરવા જિલ્લા ખાણ ખનિજ વિભાગ અને તાલુકાના અધિકારીઓએ તાકીદે આગળ આવવાની જરૂર જણાય છે. તાલુકામાં બેફામ બનતા જતા ખનિજ માફિયાઓને અંકુશમાં લાવવા જવાબદાર તંત્રએ સમયાંતરે અવાર-નવાર સઘન તપાસ કરવાની જરૂર છે. તપાસ દરમિયાન જે કિસ્સામાં નિયમભંગ કરાયેલો જણાય તેવા સ્ટોક ધારક પર કડક દંડનીય કાર્યવાહી હાથ ધરાવી જોઇએ.