ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલ નવાઅવિધાના યુવક અને તેના મિત્રોને માર મારવામાં આવતા આ સંદર્ભે કુલ ૮ ઇસમો સામે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નંધાવવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ નવાઅવિધા ગામે રહેતો મીતભાઇ સુરેશભાઈ વસાવા નામનો યુવક ગતરોજ તા.૨૦ મીના રોજ તેના અન્ય મિત્રો સાથે રાતના અગિયાર વાગ્યાના અરસામાં અવિધા ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ લોકો અવિધા સરકારી દવાખાના નજીક ઉભા હતા તે દરમિયાન રાતના સાડા બાર વાગ્યાના અરસામાં રાજપારડીનો કિરણ સુકદેવભાઇ વસાવા ત્યાં આવ્યો હતો અને તેના મોબાઇલમાં કોઇ વ્યક્તિનો ફોટો બતાવીને પુછતો હતો કે આને તું ઓળખે છે?જો આ રાજપારડી બાજુ આવશે તો તેના પગ ભાંગી નાંખીશ. આ સાંભળીને મીતભાઇએ તેને કહ્યું હતું કે તું આ બધુ મને કેમ કહે છે?ત્યારબાદ તે ઉશ્કેરાઇ ગયો હતો અને મીતના મિત્રોએ તેમને ઝઘડો કરતા છુટા પાડ્યા હતા. ત્યારબાદ મીત અને તેના મિત્રો ગામની ભાગોળે ઉભા હતા તે વખતે કિરણ વસાવા ફરીથી ત્યાં આવ્યો હતો,અને તેના મોબાઇલમાં મીતનો ફોટો પાડીને નજીક ઉભેલા અન્ય લોકોને બતાવીને કહેતો હતો કે આ રાજપારડી બાજુ આવશે તો તેના પગ ભાંગી નાંખીશ. આ બાબતે ઝઘડો થતા મીતભાઇના મિત્રો તેને બચાવવા વચ્ચે પડતા કિરણ મીતના મિત્રોને પણ મારવા લાગ્યો હતો. ત્યારબાદ નવાઅવિધા ગામના માણસોએ સરપંચને મારી દીધેલ છે એવી અફવા ફેલાતા લગ્નમાં હાજર અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને માર મારવા લાગ્યા હતા.
આ ઝઘડા દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ મીતભાઇને અવિધા સરકારી દવાખાનામાં સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે નવાઅવિધાના મીતભાઇ સુરેશભાઈ વસાવાએ કિરણભાઇ સુકદેવભાઇ વસાવા રહે. રાજપારડી તા.ઝઘડિયા તેમજ જેરામ વેસ્તાભાઇ વસાવા, અનિલ રાજેશભાઇ વસાવા, રાહુલ તલસીભાઇ વસાવા, રવિ વિનોદભાઇ વસાવા, નીતિન સોમાભાઇ વસાવા,રોબિન વિલ્સનભાઇ વસાવા તથા મનીશ કિરણભાઇ વસાવા તમામ રહે.ગામ અવિધા તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

