ઝઘડિયા:  તાલુકામાં રહેલ વિપુલ ખનિજ સંપતિનો ફાયદો (કે પછી ગેરફાયદો ?!) ઉઠાવવા મોટાપ્રમાણમાં ખનિજ માફિયા મેદાને પડ્યા છે. તાલુકામાં અન્ય ખનિજોની જેમ સિલિકા વોશ કરતા વ્યવસાયમાં પાછલા કેટલાક સમયથી તેજીનો માહોલ છવાયો છે! હાલ તાલુકામાં ઠેરઠેર સિલિકા પ્લાન્ટ્સ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે,ત્યારે આજરોજ અન્ય એક સિલિકા પ્લાન્ટ શરુ કરવા અંગે લોક સુનાવણી યોજવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ મળતી વિગતો મુજબ મેસર્સ પ્રિસાઇસ કોનકેમ પ્રા.લિ. નામના નેજા હેઠળ સુચિત નવો સિલિકા પ્લાન્ટ રાજપારડી નજીકના ખડોલી ગામે શરુ કરવામાં આવનાર હોઇ પ્લાન્ટના સુચિત સ્થળ ઉપર આજરોજ સવારના અગિયાર વાગ્યે લોક સુનાવણીનો કાર્યક્રમ ઝઘડિયાના પ્રાન્ત અધિકારી અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સામાન્ય રીતે નવા સિલિકા પ્લાન્ટના નિર્માણ સમયે પ્લાન્ટની કામગીરીથી કયા કયા ગામોને અસર થશે તેની સુચિ અને સીમા નક્કી કરવામાં આવતી હોય છે. ખડોલી ખાતે નવા બનનાર સિલિકા પ્લાન્ટને લઇને તેની અસર હેઠળ આવનારા ગામોની પંચાયતોને લોક સુનાવણી બાબતે યોગ્ય જાણ નહિ કરવામાં આવી હોવાના આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી હતી. અને લોક સુનાવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક લોકોની પાંખી હાજરીથી દરેક અસરગ્રસ્ત ગામોએ યોગ્ય જાણ નહિ થઇ હોવાની વાતને સમર્થન મળતું હોય એમ જણાયું હતું. અત્રે ઉપસ્થિત અગ્રણીઓએ સુચિત સિલિકા પ્લાન્ટ શરૂ થતાં તેની પર્યાવરણ લોકો અને પશુઓના સ્વાસ્થય પર થનાર અસરો વિષે ચિંતા વ્યક્ત કરી પ્લાન્ટને મંજુરી નહિ આપવા ધારદાર રજુઆતો કરી હતી. જ્યારે લોક સુનાવણીના કાર્યક્રમની દરેક અસરગ્રસ્ત ગામોના લોકોને જાણ નહિ થઇ હોવાના આક્ષેપ વચ્ચે લોક સુનાવણી ફરીથી યોજવા જણાવ્યું હતું. તાલુકાના વિવિધ સ્થળોએ કાર્યરત સિલિકા પ્લાન્ટ્સનું દુષિત પાણી ખાડીઓમાં છોડવામાં આવતું હોવાની પણ ફરિયાદો લાંબા સમયથી ઉઠવા પામી છે. પ્લાન્ટ્સના ધોવાણનું પાણી ખાડીઓમાં થઇને નર્મદામાં જતું હોઇ ખાડીઓ ઉપરાંત નર્મદાનું જળ પણ દુષિત થાય છે. ખાડીઓમાં વહેતું દુષિત પાણી જંગલી અને પાલતું પ્રાણીઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે. ઉપરાંત ધ્વની પ્રદુષણથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોને તકલીફ પડતી હોય છે.

આજના લોક સુનાવણી કાર્યક્રમમાં સુચિત નવા સિલિકા પ્લાન્ટને લગતો ઠરાવ સંબંધિત ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં થયો હતો કે કેમ તે બાબતે પણ સવાલો ઉભા થયા હતા. ત્યારે આજના લોક સુનાવણીના કાર્યક્રમમાં રજુઆતકર્તાઓએ પ્લાન્ટને મંજુરી ન મળવી જોઇએ એવો સૂર રજુ કરતા મામલો ગરમાયો હતો.ઝઘડિયા તાલુકામાં હાલ બિલાડીના ટોપની જેમ ઠેરઠેર અસંખ્ય સિલિકા પ્લાન્ટ્સ ફુટી નીકળ્યા છે,આમાં કેટલા કાયદેસર છે અને કેટલા બે નંબરમાં ચાલી રહ્યા છે એ બાબતે પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.