વલસાડ: ગતરોજ ક્રિકેટ રમતાં બાળકોનો બોલ ખુલ્લા ઝાડ ડાળખીવાળા પ્લોટમાં જતાં વલસાડની સાયન્સ કોલેજ પાછળની સહજાનંદ સોસાયટીના પ્લોટમાં માનવકંકાલ મળ્યાંની ઘટના બહાર આવતાં વલસાડ પોલીસ માટે વધુ એક ચેલેન્જ ઉભી થઇ છે. હાલમાં સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક PMમાં યુવતીનું હાડપિંજર હોવાનું બહાર આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ હાડપિંજરમાં ખોપડી, પાંસળીના ભાગો, પગના હાડકાંના ભાગો, હાથના હાડકાંના ભાગો, કરોડરજ્જુના ભાગો મળી આવ્યા છે. હતા. હાડકાંના સ્વરૂપમાં હોવાથી આ કોનું હાડપિંજર છે તે ઓળખમાં આવી શક્યું નથી. પણ ઘટના સ્થળ પર એક મરૂન કલરનો બે બટનવાળો મેલો લેડીઝ કુર્તો મળી આવ્યો હતો. હાડપિંજરને સુરતના ફોરેન્સિક વિભાગના PM કરતાં ડોક્ટરે કહ્યું કે આશરે 14 થી 20 વર્ષીય છોકરીનું હાડપિંજર છે. અંદાજે 3 માસ પહેલાં મૃત્યુ થયું હતું.

હાલમાં વલસાડ સીટી પોલીસે કોલેજ છાત્રાલય, હોસ્ટેલમાં 3 માસ પહેલા ગુમ થયેલ યુવતીઓ કે બાળકીઓ વિષેની વધુ તપાસ હાથ ધરી છે. 5 જિલ્લાઓના તમામ પોલોસ મથકમાં 3 માસ પહેલાં 14થી 20 વર્ષની બાળકી કે યુવતી ગુમ હોય તેની વિગત મેળવવામાં આવી રહી છે. હવે કપડાં અને હાડપિંજરનું DNA સેમ્પલ મેચ કરી ઓળખ કરવામાં આવશે.