દક્ષિણ ગુજરાત: વર્તમાન દક્ષિણ ગુજરાતમાં ફરી મોટા આંદોલનના ભણકારા: ભાજપ રાજમાં દક્ષિણ ગુજરાત ની 64000 સભ્યો ધરાવતી માંડવી સુગર મિલ પ્રાઈવેટ કંપનીને વેંચી દેવાતા ખેડૂતોની શેરડીના પૈસા અને ટ્રાન્સપોર્ટરોના રૂપિયા આપવામાં નહિ આવે ત્યાં સુધી ખેડૂતો દ્વારા ‘અસહકાર આંદોલન’ મૂડમાં જોવા મળી રહ્યા છે .
હાલમાં જ ભાજપ પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહ ઉજવવમાં આવ્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાતના 64000 સભાસદો માટેની જીવાદોરી સમાન માંડવી સુગરના વિકાસને જાણે ગ્રહણ લાગ્યું હોઈ એમ સભાસદો ની જાણ વગર આ સહકારી માળખાને પ્રાઈવેટ કંપની જૂન્નર સુગરને નજીવા ભાવે વેંચી 64000 ખેડૂત અને ટ્રાન્સપોર્ટરો સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે. જેના પરિણામે ખેડૂતોના શેરડીના અને ટ્રાન્સપોર્ટરોના કરોડો રૂપિયા ચૂકવવાના બાકી હોઈ હવે ખેડૂતો આકરા પાણીએ દેખાય રહ્યા છે.
ગત દિવસોમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા માંડવી સુગરને લઈને ‘માંડવી સુગર ખેડૂત અધિકારી સમિતિ’ ની રચના થઈ હતી. આ કમિટી દ્વારા સરકારને ત્રણ મુખ્ય માંગો મુકવામાં આવી હતી. ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો ના પરસેવાના રૂપિયા ચુકવવામાં આવે, માંડવી સહકારી સુગરનું પ્રાયવેટિકરણ અટકાવવામાં આવે અને સુગર બેઠી કરવામાં આવે. પરંતુ ભાજપ સરકારના મંત્રીશ્રીઓ દ્વારા ચુપી સાધી લઈ ખેડૂતોનું અપમાન કરવામાં આવ્યું હોય એમ નફ્ફટ થઈ વિકાસ સપ્તાહની ઉજવણીમાં મશગુલ દેખાય રહ્યા છે. પરંતુ આ નેતાઓની અને તેમના દ્વારા વેંચી દેવામાં આવેલ જૂન્નર સુગર કંપની સામે માંડવી સુગરના ખેડૂતો એ ‘ અસહકાર આંદોલન’ ના મંડાણ કરી દીધા છે.
ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા તાપી, નર્મદા, ભરૂચ અને સુગર જિલ્લાના આશરે 25 જેટલા તાલુકાઓમાં અસહકાર આંદોલનની શરૂઆત પેટે બેનરો લગાવી શેરડીઓ જૂન્નર સુગરને ન આપવા ખેડૂતોને અપીલ કરી છે. જ્યાં ઠેર ઠેર બેનરો લગાવી ખેડૂતોને આ આંદોલનમાં જોડાવા અને આ પ્રાઈવેટ સુગરને શેરડી ન આપી આંદોલન ને સમર્થન આપવા માંગ કરાઈ છે.
જોવાનું રહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભાજપ દ્વારા વ્યારા સુગર ખાતે મોટા ખર્ચે ખેડૂત સંમેલન યોજાવા જઇ રહ્યું છે. ત્યારે 25 જેટલા તાલુકાઓમાંથી ખેડૂતો દ્વારા સરકારની પ્રાયવેટિકરણ ની નીતિ સામે વિરોધ ઉભો થવા પામેલ છે. જો આ ખેડૂતો અને ટ્રાન્સપોર્ટેરોની માંગો પુરી કરવામાં ન આવશે તો ચોક્કસ પણે આ આંદોલનની અસર દક્ષિણ ગુજરાતની બીજી સુગર મિલો ઉપર પડશે. કેમકે માંડવી સુગરની જેમ વ્યારા સુગર ખાતેની જમીનો પણ ઈ-હરાજી થી વેચવા માટે ની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી. જોવાનું રહ્યું કે માંડવી સુગરના આંદોલનની આગ બીજી કેટલી સુગરોને પોતાના બાનમાં લેય છે અને ત્યાંના પણ ખેડૂતો અને ટ્રાન્સપોટરોને સાથે લઇ સરકાર સામે મોટું આંદોલન ઉભું થઈ શકે છે. જો સફાળી સરકાર જાગે તો ધરતીના તાત ને તેમના મહેનતના રૂપિયા અને સુગરનો તેમનો હક અપાવી શકે છે પરંતુ મૂડીવાદી સરકાર ખેડૂતોનું સાંભળશે કે કેમ એ પ્રશ્ન છે.

