વાલોડ: ગતરોજ વાલોડ તાલુકાના ઘેરીયાવાવ ગામમાં રહેતા વયોવૃદ્વ દંપત્તિ પોતાના ઘરે વીજ કનેકશન મેળવવા માટે ઘણાં સમયથી વલખા મારી રહ્યા હતા પણ તેમને વીજ વિભાગના અડીયલ અધિકારીઓ ગાઠતાં ન હતા. તેમની આ સમસ્યાને લઈને આદિવાસી યુથ લીડર ડો. નિરવ પટેલ અને તેમની ટીમ દ્વારા દંપતીની મુલાકાત કરાઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વાલોડ તાલુકાના ઘેરીયાવાવ ગામ ખાતે રહેતા વયોવૃદ્ધ દંપત્તિ ગોવિંદભાઇ અને લીલાબેન ગામિત છેલ્લા 5 વર્ષથી ડીજીવીસીએલમા વીજ કનેકશન મેળવવા રજૂઆતો કરીને થાકી ગયા છે અને છતી દિવાળીએ ઘોરઅંધકારમા જીવવા મજબુર બન્યા છે. આ વાતની જાણ ખેરગામના સેવાભાવી યુવા આગેવાન અંકિત નાનુભાઈ આહિરને થતાં તેમણે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને કરતા ડો.નિરવ ભુલાભાઇ પટેલ, મનીષ શેઠ, બંટી ઢોડિયા, અંકિત આહિર, દલપત પટેલ, ભાવેશ પટેલ, મનીષ ઢોડિયા, મિન્ટેશ પટેલ, ઉમેશ પટેલ, કાર્તિક પટેલ, પ્રતીક આહિર, હિરલ, સુનિલ, જય, સહિતના યુવાનો વાલોડ તાલુકાના ઘેરીયાવાવ ગામે પહોંચી વયોવૃદ્ધ દંપત્તિની મુલાકાત લીધી હતી.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલ,અંકિત આહિરે, મનીષ શેઠ, બંટી ઢોડિયા સહિતના યુવાનોએ જણાવ્યું હતું કે આજે દીપડા જેવા વન્ય પ્રાણીઓના હુમલાઓ સતત વધી રહ્યા છે અને માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે,ત્યારે આ વડીલો ઘોર અંધકારમાં જીવવા મજબુર બન્યા છે તે ખુબ જ શરમજનક બાબત છે.આથી સરકાર અને ડીજીવીસીએલના જવાબદાર અધિકારીઓને અમારી અપીલ છે કે આ વડીલોની તકલીફ ધ્યાને લઇ તાત્કાલિક કાર્યવાહી કરી એલોકોને વીજળીનું કનેકશન આપી આલોકોની પાછલી ઉંમર સુધારી આપવી જોઈએ.અને વિજવિભાગને પણ એક આગ્રહ છે કે કનેકશન મેળવવા માટે તમે લોકો જે એસ્ટીમેન્ટ આપો છે તે ઘણું ઊંચું હોય છે તો દરેક ગરીબનું એટલું ગજુ નથી હોતું કે આટલી મોટી રકમ ચૂકવી શકે.તો એ દિશામાં સરકારે પણ માનવતાના ધોરણે લોકોને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે ધ્યાન આપવું જોઈએ.પરિસ્થિતિનો તાગ મેળવવા ગયેલા યુવાનોએ વયોવૃદ્વ દંપત્તિને મહિના સુધી જીવન ગુજરાન ચાલે એટલું અનાજ-કરિયાણું આપીને વડીલોની તકલીફમા મદદરૂપ થવાની કોશિષ કરી હતી.