રાજપીપલા: વડાપ્રધાન મોદીની પ્રેરણા અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ બન્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેકટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને તેના ફાયદા વિશે ખેડૂતોને અવગત કરાવવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગુલવાણી અને ઓરપા, નાંદોદના બોરીદ્રા ગામે તેમજ તિલકવાડાના અલવા ગામે કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં માસ્ટર ટ્રેનર્સ અને આત્મા પ્રોજેક્ટના નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તેના ફાયદાઓ અંગે ખેડૂતોને જાણકારી આપી હતી.
આ પરિસંવાદમાં સહભાગી થયેલા તમામ ખેડૂતોએ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈને વાવેતર, જીવામૃત, ઘનામૃત, આચ્છાદન સહિતની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન નિહાળ્યું હતું. જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

