ચીખલી બે મહિના અગાઉ ચીખલીની સગીરાને લગ્નની લાલચ આપી યુપીના મેરઠ ભગાડી જનાર શખ્સને ચીખલી પોલીસે વેશપલ્ટો કરી ભાડુઆત બની દબોચી લીધો છે અને ભોગ બનનાર સગીરા અને આરોપીને નવસારી લાવી પોલીસે પોસ્કો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

DECISION NEWS ને મળેલ માહિત મુજબ આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો યુપીમાં એન્જિનિયરિગ ભણતો 23 વર્ષીય ગૌરવ ઉર્ફે સૂરજ નંદકિશોર કશ્યપ પિતાને મદદરૂપ થવા નવસારીના ચીખલી આવતો અને અહીં તેની આંખ સ્થાનિક સગીરા સાથે મળી ગઈ હતી. ગૌરવએ સગીરા સાથે પ્રથમ મિત્રતા કેળવી અને તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. બાદમાં તેની સાથે મેસેજ તેમજ ફોન ઉપર વાત કરતો હતો. બને વચ્ચે વાતચીત વધી અને ગૌરવે સગીરાને લગ્નની લાલચ આપી હતી. ગૌરવ યુપીના મેરઠમાં રહેતો હતો અને સગીરા નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી હતી.

ગત 8 જૂનના રોજ ચીખલીથી સગીરાને ગૌરવ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને દિલ્હીથી મેરઠ લઈ ગયો હતો. બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેની શોધખોળ થઈ હતી. અને અંતે ચીખલી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી. સગીરાને લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો હોવાથી શંકા તેની માતાએ વ્યક્ત કરતાં પોલીસે ટેકનિકલ સર્વેલેન્સને આધારે બે મહિનામાં જ ગૌરવ કશ્યપનું પગેરું શોધી કાઢ્યું હતું.

પોલીસની એક ટીમ મહિલા કોન્સ્ટેબલ સાથે મેરઠ પહોંચી હતી અને ગૌરવ તથા સગીરા જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાં વેશ પલ્ટો કરી, ભાડુઆત તરીકે રહેવા માટેની પૂછપરછ કરી સગીરા અને ગૌરવ ત્યાં જ હોવાની ખાતરી કરી હતી. બાદમાં પોલીસ બંનેને પકડી નવસારી લઈ આવી હતી. ચીખલી પોલીસ મથકમાં તેની માટેની ફરિયાદને આધારે ગૌરવ કશ્યપ વિરુદ્ધ પૉસ્કો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેના માતા પિતાને સોંપી છે.

આ અંગે ચીખલી ડિવિઝનના DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચીખલી વિસ્તારમાં રહેતી કિશોરીને એક યુવાન લગ્નની લાલચે દિલ્હી અને ત્યારબાદ મેરઠ ભગાવી ગયો હતો. આ યુવાન વિરુદ્ધ કિશોરીની માતાએ ફરિયાદ આપતા ચીખલી પોલીસે ટીમો બનાવીને જિલ્લા પોલીસવડાની સૂચનાથી મેરઠ ગઈ હતી. જ્યાં પોલીસ કર્મચારીઓ દ્વારા ભાડુઆતનો વેશ પલ્ટો કરીને યુવાન પાસેથી સગીરાને છોડાવી હતી. હાલ યુવાનની ધરપકડ કરીને તેને કોર્ટ સમક્ષ રજુ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.