કલકતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટર હડતાલ પર જવાનું આયોજન કર્યું છે ત્યારે ગુજરાતમાં ડોક્ટરો પણ આ હડતાલમાં જોડાશે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ મહિલા જુનિયર તબીબ પર બળાત્કારની અને હત્યાની ઘટના મામલે દેશભરના ડોક્ટરોએ ગંભીરતાથી નોંધ લઈ ઓનલાઈન બેઠક કરી હતી. જેમા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના હેડકવાર્ટરના તબીબો અને જે તે રાજ્યના પ્રતિનિધિ ડોક્ટર પણ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા. બેઠક અંતર્ગત ઘટનાના વિરોધમાં દેશભરના ડોક્ટર આગામી 17 ઓગસ્ટને શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાળ કરશે. ડોક્ટરોએ આ બેઠકમાં 24 કલાકની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. ચોવીસ કલાકની આ હડતાળ અંતર્ગત ઈમરજન્સી સેવાઓ અને ક્રેઝયુલિટી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. આ સિવાય તમામ તબીબી સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત દર્દીઓને હાલાકી ન પડે તેનું પણ તબીબો દ્વારા ધ્યાન રાખવામાં આવશે. મહત્વનું છે કે આ હડતાળને લઈને ગુજરાતના તબીબોએ કેવા પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવા હડતાળને લઈને દર્દીઓને હાલાકી ન પડે તેનું કેવી રીતે આયોજન કરવું તેની પણ એક ઓનલાઈન બેઠકનું આયોજન ગુજરાતના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવ્યું છે.