કૃષિ જગત: ખેતીમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ખતરનાક રીતે ઝડપથી વધી રહ્યો છે જેને કારણે ભારત સહિત અનેક દેશોમાં ઝેરની ખેતી વધી રહી છે અને માનવજીવન પર સતત ખતરો વધી રહ્યો છે. ભારતમાં પેસ્ટિસાઇડના ઉપયોગથી ઘર-ઘરમાં કૅન્સરનો વ્યાપ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે ત્યારે સ્વીદેશી આંદોનલ ચલાવતી સંસ્થાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઝેર ફેલાવતા પેસ્ટિસાઇડના ઉપયોગ પર પ્રતિબંધની માગણી કરી છે.

સરકાર પણ પેસ્ટિસાઇડના વધતા વ્યાપથી સામાન્યજનના આરોગ્ય પર વધી રહેલા ખતરાથી અવગત હોવાથી પગલાં લેવાનાં ચાલુ કર્યા છે, પણ પેસ્ટિસાઇડ પર પ્રતિબંધ મૂકવાથી ખેડૂતોની ઊપજ ઘટવાનો ભય સામે દેખાતો હોવાથી સુપ્રીમ કોર્ટ અને સરકાર બન્ને આ મુદ્દે સાવચેતીથી આગળ વધી રહી છે, પરંતુ જે રીતે ખેતીમાં પેસ્ટિસાઇડના બેફામ ઉપયોગથી સમસ્યાઓનો રાફડો ફાટ્યો છે એ જોતાં આ મુદ્દે ઉદાસીનતા સેવવાથી વિનાશકારી પરિણામો સામે દેખાય રહ્યાં છે.

ભારતમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ

ભારતીય ખેતીમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, કારણ કે ભારતીય ખેડૂત ઍવરેજ અશિક્ષિત હોવાથી પેસ્ટિસાઇડના ઉપયોગનું પ્રમાણ જળવાતું નથી જેને કારણે ખેતપાકોને નુકસાન કરતાં કીટકો, ઇયળો, જીવાત વગેરેની પ્રતિકારક શક્તિ સતત વધી રહી હોવાથી ખેડૂતો આ કીટકો, ઇયળો અને જીવાતનો નાશ કરવા પેસ્ટિસાઇડનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી ખેતપાકોમાં પેસ્ટિસાઇડનું ઝેર વધી રહ્યું છે. ભારતમાં 318 જાતનાં પેસ્ટિસાઇડ રજિસ્ટર્ડ થયાં છે. આ રજિસ્ટર્ડ થયેલાં પેસ્ટિસાઇડમાંથી ૧૩૪ પેસ્ટિસાઇડ ઝેરી માલૂમ પડ્યાં હોવાથી એના પર પ્રતિબંધ મૂકવાની સુપ્રીમ કોર્ટમાં માંગ થઈ છે. ભારતમાં સૌથી વધુ પેસ્ટિસાઇડનો ઉપયોગ ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને તામિલનાડુમાં થાય છે.

પેસ્ટિસાઇડ પર પ્રતિબંધની મોહિમ

સ્વદેશી આંદોલન ચલાવતા ઍક્ટિવિસ્ટ કે. વી. બીજુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે હાલ ભારતમાં વપરાતાં પેસ્ટિસાઇડમાંથી 135 પેસ્ટિસાઇડના ઉપયોગ વિશે સર્વે કરવામાં આવે. અગાઉ 2013 માં અન્ય એજન્સીએ પણ ભારતમાં 66 પેસ્ટિસાઇડના વપરાશ પર પ્રતિબંધ મૂકવાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પેસ્ટિસાઇડના વધુ પડતા ઉપયોગથી આમ પ્રજામાં વિરોધ વધતાં 2020 માં સરકારે પણ 27 પેસ્ટિસાઇડના વપરાશ પર પ્રતિબંધ મૂકવા માટે એક કમિટીની રચના કરી હતી. કમિટીએ 2023 માં 27 માંથી માત્ર ત્રણ પેસ્ટિસાઇડ પર પ્રતિબંધ મૂકવાને યોગ્ય ઠેરવ્યું હતું, જ્યારે અન્ય 24 પેસ્ટિસાઇડ પર પ્રતિબંધ મૂકવાથી ખેત ઊપજ ઘટવાનો ભય કમિટીએ બતાવ્યો હતો. ઉપરાંત કેટલીક ખેડૂત-સંસ્થાઓએ પણ પેસ્ટિસાઇડના ઉપયોગ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હોવાથી સરકાર પણ પગલાં લેતાં ડરી રહી છે. ભારત સરકારે 2020માં પેસ્ટિસાઇડ મૅનેજમેન્ટ બિલ પણ બનાવ્યું હતું જેનો ધ્યેય પેસ્ટિસાઇડના બેફામ ઉપયોગ પર લગામ મૂકવાનો હતો.

પેસ્ટિસાઇડનો ખતરો

એક સર્વે અનુસાર વિશ્વના 168 દેશોમાં પેસ્ટિસાઇડના બેફામ ઉપયોગથી માનવજીવન પર સતત ખતરો વધી રહ્યો છે. એશિયાના દેશોમાં પેસ્ટિસાઇડનો ખતરો સૌથી વધુ છે. નૈચરલ જિયોસાયન્સ બેનર હેઠળ કરાયેલા સર્વેમાં ખેતીમાં વપરાતા પેસ્ટિસાઇડમાં 92 કેમિકલ અત્યંત ઝેરી છે જેનાથી આરોગ્ય પર સતત ખતરો વધી રહ્યો છે. ઝેરી કેમિકલ ધરાવતા પેસ્ટિસાઇડના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પાણી પણ ઝેરી થઈ રહ્યું છે. પેસ્ટિસાઇડમાં વપરાતા ઝેરી કેમિકલથી હાલ વિશ્વની 64 ટકા ખેતીલાયક જમીન પર સતત જોખમ વધી રહ્યું છે. યુનિવર્સિટી ઑફ સિડની રિસર્ચ અસોસિએશનના વડાએ આ સર્વે બાદ જણાવ્યું હતું કે પેસ્ટિસાઇડના સતત વધતા વપરાશથી માનવઆરોગ્ય ઉપરાંત પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. પેસ્ટિસાઇડના વધુપડતા ઉપયોગનું જોખમ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વનું ઍંગ્રિકલ્ચર મૉડલ ધરમૂળથી ફેરફાર કરવાનો હાઈટાઈમ આવી ચૂક્યો હોવાનું સર્વેના અંતે જણાવાયું છે. યુનિવર્સિટી ઑફ મૈસૂરના રિસર્ચ ઍનલિસ્ટે પેસ્ટિસાઇડના વધુપડતા ઉપયોગ પર કરેલા રિસર્ચમાં જણાવ્યું છે કે વિશ્વમાં કેમિકલ પેસ્ટિસાઇડના વપરાશથી દર વર્ષે કરોડો લોકો કૅન્સર જેવા રોગના શિકાર બની રહ્યા છે અને તેમાના અનેક લોકોનાં મોત થઈ રહ્યાં છે.

ભારતીય કૃષિ ઉત્પાદનનુ વધતુ ચેકિંગ

ભારતીય કૃષિ પાકોમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું હોવાથી વિશ્વના અનેક દેશોએ ભારતીય કૃષિ ઉત્પાદનનું ચેકિંગ અનેક ગણું વધાર્યું છે. ભારતમાંથી સાઉથ કોરિયા વર્ષોથી તલની આયાત કરી રહ્યું છે અને સાઉથ કોરિયાની તલની ખરીદીમાં ભારતીય તલનો હિસ્સો 80 થી 90 ટકા રહેતો હતો એ છેલ્લા એક વર્ષથી ઘટીને પચીસથી 30 ટકા થયો છે, કારણ કે ભારતીય તલમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધતાં સાઉથ કોરિયાની સરકારે 534 પ્રકારના પેસ્ટિસાઇડનું ટેસ્ટિંગ ચાલુ કરતાં હવે ભારતીય તલ રિજેક્ટ થવાનું પ્રમાણ ત્રણથી ચાર ગણું વધ્યું છે. ગયા વર્ષે વિયેટનામે ભારતીય સિંગદાણાનાં 500 થી 600 કન્ટેનર વધુ પડતા પેસ્ટિસાઇડના ઉપયોગથી એફ્લાટૉક્સિનનું પ્રમાણ વધુ હોવાથી રિજેક્ટ કર્યા હતાં. જપાને વર્ષો અગાઉથી ભારતીય તલ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇજિપ્ત સહિત 34 દેશોએ ભારતીય જીરુંમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધુ હોવાથી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં ભારતીય મસાલામાં ઝેરી તત્ત્વો હોવાનું સિંગાપોર અને હૉન્ગકૉન્ગની એજન્સીએ રિપોર્ટમાં આપ્યું હતું. યુરોપિયન યુનિયનની ગવર્નમેન્ટ ઑથોરિટી ખાધ સામગ્રીમાં પેસ્ટિસાઇડના પ્રમાણ વિશે વધુ પડતી સજાગ હોવાથી અનેક ભારતીય કૃષિ પ્રોડક્ટની આયાત પર વારંવાર નિયંત્રણો મૂકી રહી છે.

લોકજાગૃતિ અને અભિયાનની તાતી જરૂર

ભારતમાં કેમિકલ પેસ્ટિસાઇડના બેફામ વપરાશથી ખાદ્ય સામગ્રીમાં વધતા ઝેરના પ્રમાણને નાબૂદ કરવા લોકજાગૃતિ અને અભિયાન શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. ખતરનાક ઝેરીલા કેમિકલયુક્ત પેસ્ટિસાઇડનો ખેતીમાં બેફામ વપરાશ કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એના નિવારણ માટે હવે મોડું કરવું પાલવે એમ નથી. ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ગામેગામ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવાનું અભિયાન ચાલુ થયું છે એવું અભિયાન દેશના ખૂણે-ખૂણે શરૂ થાય એ જરૂરી બન્યું છે.