ભરૂચ: ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ કોંગ્રેસ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં લોકસભાની ચુંટણીના ભાગરૂપે સ્વાભિમાની યાત્રા ચાલી રહી છે. જે ભરૂચ લોકસભામાં આવતા અનેક ગામોમાં ફરશે.
Decision News ને મળેલી માહિતી મુજબ બીજી માર્ચના રોજ સ્વાભિમાન યાત્રા વાગરા વિધાનસભાના ગામે ગામ ફરી હતી અને ચૈતરભાઈ વસાવાએ વાગરા વિધાનસભાના લોકો સાથે મળીને ત્યાંના સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વાગરા વિધાનસભાના લોકોએ ચૈતરભાઈ વસાવાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
જુઓ વિડીયો..
લોકનાયક ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું કે, આ ચૂંટણી આરપારની લડાઈ છે, કારણ કે દેશમાં લોકશાહી બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. હાલ કોઈપણ પુરાવા વગર આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા છે. થોડા મહિના અગાઉ મારી લોકપ્રિયતાથી ભયભીત થયેલા લોકોએ મારા પર ખોટા કેસો કરાવ્યા અને મને અને મારી પત્નીને જેલમાં મોકલ્યા હતા. તેમ છતાં પણ અમે ભાજપ સામે ઝૂક્યા નથી અને અમારી લડત ચાલુ રાખી છે. અમારા સમર્થનમાં લાખો વડીલો, યુવાનો, માતાઓ-બહેનો અને ઈમાનદાર લોકો છે, માટે અમે આ લડાઈ મજબૂતીથી લડી રહ્યા છીએ. અમને આશા છે કે આપ સૌ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ આપીને આપનો અવાજ સંસદ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશો.











