ધરમપુર: હેમ આશ્રમ જાગીરીના ૧૫ મા વર્ષની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ૧૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે, 10 મી ડિસેમ્બર 2023 ના રોજ, હેમ આશ્રમ પરિસરમાં મહિલા સશક્તિકરણ સેમિનારનું આયોજન કરાયું હતું.

Decision News ન મળેલી જાણકારી પ્રમાણે શૈક્ષણિક અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ ઉપરાંત, વંચિત મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ આ સંસ્થાના સંચાલકો છેલ્લા 15 વર્ષથી આ પ્રદેશની 47 વિધવાઓને નાનીમોટી મદદ કરી રહ્યા છે. આ મહિલાઓને કાઉન્સેલિંગ, નાણાકીય સહાય, સરકારી યોજના સંબંધિત માહિતી, તબીબી સારવાર તથા સ્વરોજગાર પ્રદાન કરવા અને તેમને સજીવ ખેતી શીખવવામાં મદદરૂપ થઈ રહ્યા છે.

ડૉ. મનીષા ઝાવર (સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ) રિસોર્સ પર્સન તરીકે હાજર રહી ૪૭ વિધવાઓને જેઓ નજીકના ગામડાઓના રહેવાસી છે એમને આશા ન ગુમાવવા અને હકારાત્મક વલણ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના વક્તવ્યમાં સ્ત્રીઓને લગતી બાબતો તથા તેમનું સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જરૂરી વાત વિગતે થઈ.

શીતલ ગાડરે ( ટ્રસ્ટી, હેમ આશ્રમ) એમના વક્તવ્યમાં કહ્યું , હેમ આશ્રમ હંમેશા તેમની સાથે રહેશે , જરૂરી મદદ પણ કરશે. તેમને રાગી ની વસ્તુઓ, કાંઠાની ટાંકી અને વારલી પેઇન્ટિંગ શીખવીને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે . હેમ આશ્રમ સાથે જોડાઈ જેઓ હાલમાં વિવિધ ક્ષમતાઓ કેળવી સ્વનિર્ભર બન્યા છે એ મહિલાઓ જાગૃતિબેન, ઉપાસનાબેન, વંદનાબેન માચીયા, રવિનાબેન, વંદનાબેન દિવા, શીતલબેન રઘુ સાથે હેઝલબેને વન ટુ વન સેશન લઈ તેમને સ્વનિર્ભર બનવાની દિશામાં નક્કર કામ કરવા પ્રેરિત કર્યા. કેટલાક શુભેચ્છકો અને દાતાઓની મદદથી કરિયાણું, ધાબળા, સાડીનું વિતરણ કરાયું. શ્રીમતી નમ્રતાબેન ભાગવત, વિપુલભાઈ ભાગવત (વલસાડ)જેઓ લાંબા સમયથી હેમ આશ્રમના સમર્થક રહ્યા છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.