અભિવ્યક્તિ બ્લોગના મારફતે રેશનલ વિચારોનો પ્રસાર કરતા ગોવિંદ મારુએ એન. વી. ચાવડાની પુસ્તિકા ‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’ને 26 નવેમ્બર 2021ના રોજ-સંવિધાન દિવસે, ઈ.બૂક તરીકે રજૂ કરી હતી. આ ઈ.બૂકના આવકારમાં મેં ત્રણ લેખો લખ્યા હતા, જે વાંચતા ખ્યાલ આવશે કે તેઓ કોરા નાસ્તિક ન હતા પણ માનવીય સંવેદનાઓથી ભરપૂર ઈન્સાન હતા !

ગુજરાતમાં વર્ણ વ્યવસ્થાનું જોર કેમ છે ?
[પાર્ટ-1]

શિક્ષક અને રેશનાલિસ્ટ એન. વી. ચાવડાએ જ્યારે પાંડુરંગ શાસ્ત્રીનું પુસ્તક ‘સંસ્કૃતિ ચિંતન’ વાંચ્યું ત્યારે તેમને તીવ્ર/ઊંડો આઘાત લાગ્યો અને ચિંતામાં મૂકાઈ ગયા કે વર્ણવ્યવસ્થાની હિમાયત માટે વધુ પ્રચાર થશે તો ભારતના લોકોનું ભવિષ્ય ધૂંધળું બની જશે ! તેથી વર્ણવ્યવસ્થાની તરફેણમાં થતા પોકળ દાવાઓનો પર્દાફાશ કરવા તેમણે પુસ્તક લખ્યું : ‘વર્ણવ્યવસ્થા : એક ષડયંત્ર’. આ પુસ્તક દ્વારા લેખકે લોકસમજ ઘડતરની મોટી સેવા કરી છે. આપણું બંધારણ વર્ણ વ્યવસ્થાનો અસ્વીકાર કરે છે; એટલાં માટે જ મનુસ્મૃતિના ચાહક RSS; તેમને અનુસાર લોકો અને સંપ્રદાયવાદી ભક્તોને બંધારણ ગમતું નથી ! બંધારણ માનવ ગૌરવને વરેલું છે; જ્યારે મનુસ્મૃતિ માનવગૌરવનો ઈન્કાર કરે છે. મનુસ્મૃતિ, મહિલાઓ અને શૂદ્રો ઉપરના અત્યાચારને ઉચિત ઠેરવે છે. કોઈ મહિલા કે શૂદ્ર મનુસ્મૃતિ વાંચે તો તેને ધર્મગ્રંથ તરીકે સ્વીકારી શકે નહીં !

વર્ણવ્યવસ્થા મુજબ ટોચ ઉપર બ્રાહ્મણ પછી ક્ષત્રિય અને ત્યાર બાદ વણિક છે. એ સિવાયના લોકો-કણબી/ચૌધરી/રબારી/ભરવાડ/આહીર/સુથાર/લુહાર/કુંભાર/સોની/દરજી/ખારવા/ટંડેલ/કોળી/ભીલ વગેરે શૂદ્રમાં આવે. વર્ણવ્યવસ્થાના મૂળિયા કેટલા ઊંડા છે તે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. આપણે જેને શૂદ્ર કહીએ છીએ તેને સહજાનંદજી ‘જાતિએ ઉતરતા સત્શૂદ્ર’ કહે છે ! શિક્ષાપત્રીના શ્લોક નંબર-45માં કહ્યું છે કે ‘જાતિએ કરીને ઊતરતા ભક્તજનોએ લલાટ વિષે કેવળ ચાંદલો કરવો, પણ તિલક ન કરવું !’ ટૂંકમાં અનુસૂચિત જાતિના કોઈ ભક્તજન સ્વામિનારાયણનું તિલક ન કરી શકે ! વળી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓને જન્મથી બ્રાહ્મણ હોય તે જ દિક્ષા આપી શકે ! જો કે 1905માં સ્થપાયેલ હરિફ સંપ્રદાય BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામાં આ નિયમ લાગુ પડતો નથી !

સ્વામિ સચ્ચિદાનંદજીએ પોતાના પુસ્તક ‘અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા’માં લખેલ છે કે ‘વર્ણ વ્યવસ્થા સ્વલાભ માટે દુર્બળ લોકો ઉપર થોપેલી વ્યવસ્થા છે !’ કબીર/અખો/નરસિંહ મહેતા/મીરાં/રૈદાસ/તીરુવલ્લુવર/તુકારામ/એકનાથ/જ્ઞાનેશ્વર વગેરે સંતોએ વર્ણ વ્યવસ્થાનો; જાત-પાત અને ક્રિયાકાંડોનો વિરોધ કર્યો હતો; છતાં દેશમાં વર્ણવ્યવસ્થાનું દૂષણ દૂર થયું નથી. ગુજરાતમાં વર્ણ વ્યવસ્થાના સમર્થકો બહુમતીમાં છે, તેનું કારણ વૈષ્ણવ સંપ્રદાય/સ્વામિનારાયણ સંપ્રદાય/સ્વાધ્યાય પરિવાર છે. આ ત્રણેય સંપ્રદાયોનો ગુજરાતના લોકો ઉપર જબરજસ્ત પ્રભાવ છે. પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના પુસ્તક ‘સંસ્કૃતિ ચિંતન’માં વર્ણવ્યવસ્થાને ‘અતિ સાયન્ટિફિક’ કહી છે ! સહજાનંદજીએ ‘શિક્ષાપત્રી’માં વર્ણવ્યવસ્થાનું સમર્થન કરેલ છે. ગુજરાતીઓ સંપ્રદાયવાદી/રૂઢિચુસ્ત હોવાથી સ્વામિ સચ્ચિદાનંદનું જ્ઞાન તેમને પચતું નથી ! ધર્મ/સંપ્રદાયના કોઈ ચુસ્ત અનુયાયીને તમે સત્યની ઝાંખી કરાવી શકો નહીં. તે અફીણ પીધેલો માણસ છે. તેને પોતાની ભ્રામક માન્યતાઓનો એટલો ભયંકર નશો હોય છે કે તે સાચી વાત સાંભળવા તૈયાર જ નથી હોતો ! વર્ણવાદીઓએ, દલિતોને/પછાતવર્ગોને ભૂતકાળના શૂદ્રસ્થાને ક્યારના મોકલી દીધા હોત; પરંતુ આડે આવે છે બંધારણ. એટલા માટે ધર્મ/સંસ્કૃતિના મિથ્થાભિમાન વડે વર્ણવ્યવસ્થાનું સમર્થન કરવાની કોશિશ થયા કરે છે. ગુજરાતમાં દલિતોના સ્મશાન જુદા છે; તેમના મંદિરો જુદા છે; ગામના રામમંદિરમાં તેમનો પ્રવેશ વર્જિત છે. હિન્દુ મંદિરોમાં પૂજારી તરીકે દલિત હોય તેવી કલ્પના થઈ શકતી નથી. આ સ્થિતિમાં વર્ણવ્યવસ્થા ‘અતિ સાયન્ટિફિક’ છે તેવો પ્રચાર પાંડુરંગ શાસ્ત્રી/સ્વાધ્યાય પરિવાર કરે ત્યારે રૂઢિચુસ્તતા બજબૂત બને અને આખરે માનવગૌરવને હાનિ પહોંચે ! સંપ્રદાયવાદીઓ બહુ જ ચાલાકીપૂર્વક પોતાના હિતની રખેવાળી ધર્મ/સંસ્કૃતિના રુપાળા નામે શોષિત લોકો પાસે જ કરાવી રહ્યાં છે !

શું વર્ણવ્યવસ્થા ‘અતિ સાયન્ટિફિક’ છે ?
[પાર્ટ-2]

‘વર્ણવ્યવસ્થા : એક ષડયંત્ર’ પુસ્તકમાં લેખક કહે છે કે “ગાંધીજીએ વર્ણવ્યવસ્થા હિન્દુધર્મનો પાયો છે તેમ કહ્યું હોય પરંતુ તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. જો તેઓ વર્ણવ્યવસ્થાના સમર્થક હોય તો તેમના કાર્યોમાં ફરક કેમ? ગાંધીજી વણિક હતા, તેમણે વેપાર કરવો જોઈએ; પરંતુ તેઓ રાજકારણમાં આવ્યા ! નવદંપતિમાં એક દલિત અને એક સવર્ણ હશે તો જ હું આશીર્વાદ આપીશ; એવી ગાંધીજીની જાહેરાત સૂચવે છે કે તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. પોતાના આશ્રમમાં દલિતોનો સમાવેશ કરેલ અને જાતે પાયખાના સાફ કરેલ તે સૂચવે છે કે તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. ગાંધીજી આઝાદીની લડતમાં સ્ત્રીઓને જોડી, કેમકે તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. ગાંધીજીએ 25 ઓગષ્ટ 1927ના રોજ ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું કે ‘પ્રત્યેક હિન્દુ કિશોર/કિશોરીએ સંસ્કૃત જાણવું જ જોઈએ !’ વર્ણધર્મ તો કહે છે કે સંસ્કૃતનો એકાદ શ્લોક કે શબ્દ શૂદ્રના કાને પડી જાય તો શૂદ્રના કાનમાં ધગધગતું સીસું રેડવાનો આદેશ આપેલ છે !” જો ગાંધીજી વર્ણવ્યવસ્થા મુજબ વર્તતા હોત તો શૂદ્રોની સેવા કરનારા; માણસાઈના દીવા પ્રગટાવનારા રવિશંકર મહારાજ જેવા અનેક મહાનુભાવો આપણને મળે ખરા ?

સવાલ એ છે કે શું વર્ણવ્યવસ્થા ‘અતિ સાયન્ટિફિક છે? વર્ણવ્યવસ્થાના સમર્થકોની દલીલો જોઈએ : [1] વિદેશમાં લોકો વર્ણવ્યવસ્થા અપનાવવા માંગે છે; પરંતુ તેની શરુઆત કેમ કરવી તેની મૂંઝવણમાં છે ! સ્પષ્ટતા : ભારતની વર્ણવ્યવસ્થામાં ઊંચનીચના ભેદ/અસ્પૃશ્યતા/ દલિતો અને સ્ત્રીઓનું અપમાન/ અન્યાય/શોષણ/તિરસ્કાર જોઈને વિદેશીઓ વર્ણવ્યવસ્થા અપનાવે ખરા? અહીંની ગરીબી/બેકારી/ભૂખમરો/કુપોષણ/કંગાલિયત જોયા પછી વિદેશીઓ પોતાના દેશમાં વર્ણવ્યવસ્થા સ્થાપે ખરા? [2] વર્ણવ્યવસ્થા આખી દુનિયામાં છે ! સ્પષ્ટતા : વિદેશમાં કોઈ જગ્યાએ સફાઈ કામદારના સંતાનો સફાઈ કામદાર જ બને, તેવી વ્યવસ્થા નથી ! [3] મનુષ્ય અનેક ગુણોમાં અસમાન હોય છે; વર્ણવ્યવસ્થા તેનું વિભાજન કરે છે ! સ્પષ્ટતા : સરખા ગુના માટે, ઊચ્ચ વર્ણના ગુનેગારને ઓછી સજા અને શૂદ્રને આકરી સજા શામાટે? વધારે ગુણવાન શૂ્દ્ર IAS/IPS બને કે શિક્ષક બને તો વાંધો શામાટે? બંધારણ મુજબ જાત/રંગ/વર્ણ/કોમ/ધર્મ કોઈ વ્યક્તિના વિકાસની આડે આવી શકે નહીં. [4] વર્ણવ્યવસ્થા ઈશ્વરકૃત છે ! ગીતામાં કહ્યું છે ! સ્પષ્ટતા : કોઈ પુસ્તક ઈશ્વરકૃત હોઈ શકે નહીં. જો વર્ણવ્યવસ્થા ઈશ્વરકૃત હોય તો આખા વિશ્વમાં હોવી જોઈને? ભારતમાં જ શામાટે? વર્ણવ્યવસ્થા જો ઈશ્વરકૃત હોય તો ઊચ્ચ વર્ણનું લોહી કેસરી અને શૂદ્રોનું લોહી કાળું હોત ! [5] વર્ણવ્યવસ્થા સાયન્ટિફિક છે ! સ્પષ્ટતા : રંગસૂત્રો ઉચ્ચ વર્ણના પુત્રને ઉચ્ચ વર્ણ અને શૂદ્ર વર્ણના પુત્રને શૂદ્ર બનાવતા નથી. જિનેટિક સાયન્સ કહે છે કે માનવીના અમુક જીન્સ લાખો પેઢીઓ સુધી ઉતરી આવે છે; પરંતુ તેને વર્ણવ્યવસ્થા સાથે સંબંધ નથી. કોઈ પણ વર્ણનો વ્યક્તિ કવિ/લેખક/ડોક્ટર બની શકે છે. [6] દુનિયાની દરેક સંસ્કૃતિ નાશ પામી; પરંતુ આપણી વર્ણવાદી સંસ્કૃતિ ટકી રહી છે ! સ્પષ્ટતા : લોકોનો બહુમતી વર્ગ અજ્ઞાન હતો, તેને અભણ રાખ્યો હતો. પોતાની ઉપર થઈ રહેલા અન્યાય/અત્યાચાર/દમન/શોષણને તે જાણતો ન હતો. કથા/આખ્યાન/રામલીલા દ્વારા વર્ણવ્યવસ્થા/પૂર્વજનમ/પ્રારબ્ધના મૂલ્યો લોકોના મનમાં ઠાંસી ઠાંસીને ભરી દીધાં છે. હજુ પણ તેમાંથી બહાર નીકળી શકતા નથી. વર્ણવાદી સંસ્કૃતિ ટકી રહી તેનું કારણ તેની દિવ્યતા/શ્રેષ્ઠતા નથી; પરંતુ બહુજન સમાજનું અજ્ઞાન છે. [7] વર્ણવ્યવસ્થાએ સમાજને સ્થિરતા/શાંતિ/સલામતી/એકતા બક્ષી ! સ્પષ્ટતા : શૂદ્રો અને મહિલાઓની સ્થિતિ પશુ કરતાંય ખરાબ હતી. પતિના મોત સાથે પત્નીને સળગાવી દેવામાં આવતી. વર્ણવ્યવસ્થા જો શાંતિ/સલામતી આપતી હોત તો પરશુરામે શામાટે 21 વખત ક્ષત્રિયોનું નિકંદન કાઢ્યું હશે? વર્ણવ્યવસ્થાના વિરોધી બુદ્ધ અને મહાવીરે સમાજમાં અહિંસા/કરુણા/બંધુતા/સમાનતા સ્થાપી હતી. વર્ણવ્યવસ્થામાં શાંતિ/સલામતી/સ્થિરતા ઊચ્ચ વર્ણ માટે હોય છે; બહુજન માટે હોય છે શોષણ. [8] પશુપક્ષીઓમાં/જીવજંતુમાં સમાજવ્યવસ્થા હોય છે; રક્ષણ/ભોજન/સંભાળની અલગ-અલગ કામગીરી હોય છે ! સ્પષ્ટતા : પ્રાણીઓ/જીવજંતુઓ હજારો વરસથી જ્યાં છે ત્યાં છે. જ્યારે મનુષ્ય ઈન્ટનેટ મારફતે દુનિયા સાથે જોડાઈ ગયેલ છે. માનવીએ વૈચારિક પ્રગતિ સાધી છે; જીવજંતુ સાથે તેની સરખામણી થઈ શકે નહીં. [9] મનુસ્મૃતિમાં શૂદ્રો અને મહિલાઓ માટે સારા શ્લોકો પણ છે ! સ્પષ્ટતા : સારા શ્લોકો હોય તો તેનો અમલ કેમ જોવા મળતો નથી? વિધવા લગ્ન શામાટે નહીં? શૂદ્રો પ્રત્યે અસમાન વ્યવહાર કેમ? તેમના માટે પૂર્વગ્રહો કેમ ?

વર્ણવ્યવસ્થાના પ્રદૂષણનો ભોગ શૂદ્રો પણ બન્યા છે; તેમાં પણ એક જાતિ બીજી જાતિને હલકી માને છે ! વર્ણવ્યવસ્થાએ માણસને માણસ રહેવા દીધો નથી. વર્ણવ્યવસ્થાએ સમાજમાં બંધુત્વ પ્રગટે તેવી એક પણ શક્યતા રહેવા દીધી નથી ! બંધારણમાં વર્ણવ્યવસ્થાનું સહેજ પણ સમર્થન કરવામાં નથી આવ્યું તે આપણી સૌથી મોટી વૈચારિક જીત છે ! એટલું નક્કી છે કે બંધારણને સળગાવનારા વર્ણવ્યવસ્થાના કટ્ટર હિમાયતી છે !

મનુસ્મૃતિના શાસન કરતાં બંધારણવાળું શાસન શામાટે શ્રેષ્ઠ છે ?
[પાર્ટ-3]

1941માં, પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા ‘મળેલા જીવ’ પ્રગટ થઈ ત્યારે ન્હાનાલાલે કહ્યું હતું કે “આપણે હવે પટલા (પટેલ) અને ઘાંયજાના પાત્રોને વાંચવાં પડશે.” સ્વામિ સચ્ચિદાનંદજીની મુલાકાત વેળાએ તેમણે કહ્યું હતું : “આ તો હું બ્રાહ્મણ છું એટલે લોકો મારા પુસ્તકો વાંચે છે ! હું જો વાણંદ હોત તો લોકો કહેત કે જોયા હવે ઘાંયજાના વિચારો !” વર્ણ વ્યવસ્થા કેવા પૂર્વગ્રહો સર્જે છે; શું ભૂમિકા ભજવે છે; તે આ ઉદાહરણ ઉપરથી જોઈ શકાય છે. કેટલાંક વર્ણવાદીઓ બંધારણનો એટલા માટે વિરોધ કરે છે કે તેની સાથે ડો. આંબેડકરરનું નામ જોડાયેલું છે !

રાજા-મહારાજાઓના શાસન વેળાએ બહુજન સમાજ ગુલામી ભોગવતો હતો. મહેનત/મજૂરી કરનારને તથા સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો. આઝાદી બાદ બંધારણ અમલમાં આવતા કોઈ પણ નાગરિકને નાત-જાત/ધર્મ/લિંગ/વર્ણના ભેદભાવ વગર પોતાનો વિકાસ કરવાની સ્વતંત્રતા અને સમાન તક મળી. દેશમાં 1947 અગાઉ વર્ણ વ્યવસ્થાવાળું શાસન હતું ત્યારે કણબી/પટેલો/પાટીદારો તથા પછાતવર્ગોની સ્થિતિ શું હતી? બંધારણને બદલે મનુસ્મૃતિવાળું વર્ણવ્યવસ્થાનું શાસન હોત તો ‘ખેડે તેની જમીન’ની પોલિસી બની હોત ખરી? મહેસૂલ વસૂલ કરવા રાજસત્તા તરફથી ખેડૂતો ઉપર જુલમ થતો હતો. બંધારણે વર્ણવ્યવસ્થા વિહીન સમાજ રચનાની જોગવાઈ કરી એટલે પછાત વર્ગો તથા પાટીદાર મહિલાઓ/પુરુષો; લેખકો/કવિઓ/ડોક્ટર્સ/એન્જિનીયર્સ/વકીલો/ન્યાયાધીશો/વેપારીઓ/ઉદ્યોગપતિઓ/કલાકારો/અધિકારીઓ/મંત્રીઓ બની શક્યા છે. સવાલ એ છે કે ‘ખેડે તેની જમીન’નો કાયદો શામાટે આવ્યો? આપણા બંધારણના કારણે. સામાજિક ન્યાય હાંસલ કરવાની દિશા બંધારણ ચીંધે છે.

પાટીદારો અને પછાતવર્ગોએ જે વિકાસ હાંસલ કર્યો છે; એ જેમનાથી સહન નથી થતો; એવા કેટલાંક વર્ણવાદીઓ બંધારણ નિષ્ફળ ગયું છે; તેવો ખોટો ઉહાપોહ કરે છે. દુખની વાત એ છે કે પાટીદારો/પછાતવર્ગોની પ્રગતિ બંધારણને આભારી છે; તેનો ખ્યાલ તેમને નથી. તેઓ પોતાની પ્રગતિનું શ્રેય માતાજીઓ/સાધુ-સંતોની કૃપાને આપી રહ્યા છે અને તેમની પૂજા-ભક્તિમાં લીન બની તનમનધન એમની સેવામાં અર્પણ કરી રહ્યા છે ! માતાજીઓના ભવ્ય મંદિરો બંધાવી રહ્યા છે. એક પછી એક સ્વામિનારાયણ મંદિરો બંધાઈ રહ્યા છે ! પગપાળા તીર્થયાત્રા યોજી રહ્યા છે. ભવ્ય કથા/પારાયણો/સામૈયાઓ યોજી રહ્યા છે ! આજે આ પછાતવર્ગો/પાટીદારો એ વિચારવા તૈયાર નથી કે “1947 પહેલાંના હજારો વરસમાં આ દેવી-દેવતાઓ/સાધુ-સંતો ક્યારેય તેમની કૃપા શામાટે પોતાની ઉપર વરસાવતા ન હતા? શું આ દેવી-દેવતાઓએ/સાધુસંતોએ પોતાને આજની સ્થિતિએ પહોંચાડ્યા છે?” પાટીદારો/પછાતવર્ગો વર્ણવ્યવસ્થા જન્ય ક્રિયાકાંડોમાં પોતાના અમૂલ્ય સમય/શક્તિ/ધનનો દુરુપયોગ કરી રહ્યાં છે; મંદિરો અને કથા/પારાયણોમાં પોતાનું ધન વેડફી રહ્યાં છે. જે ધર્મ/સંપ્રદાયે તેમને હજારો વર્ષ સુધી ગુલામ/ગરીબ/નિમ્ન બનાવ્યા હતા; એ જ ક્રિયાકાંડોવાળા ધર્મ/સંપ્રદાયને ઉત્તેજન આપી પોતાના પગ ઉપર પોતે જ કુહાડો મારી રહ્યાં છે ! ક્રિયાકાંડો એ ધર્મ નથી; પરંતુ સદાચાર અને સેવા એ સાચો ધર્મ છે. કેટલાંક પછાતવર્ગો/પાટીદારો બંધારણની જગ્યાએ મનુસ્મૃતિનો અમલ ઈચ્છે છે; કેમકે તેઓ પોતાનો ઈતિહાસ ભૂલી ગયા છે. ઈ-બૂક ‘વર્ણવ્યવસ્થા : એક ષડયંત્ર’ દ્વારા ગોવિંદ મારુએ આપણી સમક્ષ ઉત્કૃષ્ટ વિચારથાળ રજૂ કર્યો છે; જે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. ઉપરાંત આ ઈ-બૂકના પ્રકાશન માટે ‘Constitution Day of India-બંધારણ દિવસ-26મી નવેમ્બર’ને પસંદ કર્યો તેથી વર્ણવાદીઓના કારસ્તાનનો પર્દાફાશ કરીને તેમણે બંધારણ પ્રત્યે નિષ્ઠા દાખવી છે. 1949માં, આ દિવસે ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું; અને 26 જાન્યુઆરી, 1950ના દિવસે અમલમાં મૂક્યું હતું. લેખક એન. વી. ચાવડાએ હિમ્મતપૂર્વક તથ્યોને આપણી સમક્ષ મૂકીને રાષ્ટ્રની સાચી સેવા કરી છે. ‘જો આપણે બંધારણનું રક્ષણ નહીં કરીએ તો વર્ણવ્યવસ્થા ફરી સ્થાપિત થઈ જશે ! બંધારણના રક્ષણમાં જ બહુજનોનું રક્ષણ સમાયેલું છે !’ લેખકના આ સૂર સાથે સહમત થયા વિના રહી શકાય તેમ નથી !