બોડેલી: વર્તમાનમાં બોડેલીમાં નકલી સિંચાઈ ઈજનેરની કચેરી બનાવીને જિલ્લાની ટ્રાયબલ કચેરી માંથી આદિવાસીઓ માટે સિંચાઈ અને વિકાસની યોજનાઓ બનાવીને 2021 થી કુલ 93 જેટલા કામો મંજૂર કરાવીને 4.15 કરોડ કરતાં વધારે રૂપિયા ખંખેરી લીધાનું કૌભાંડ થયાનું જાણવા મળ્યું છે.
આદિવાસી આગેવાન અર્જુન રાઠવા નું કહેવું છે કે 4.15 કરોડ કરતાં વધારે રૂપિયા ખંખેરી લીધાનું કૌભાંડ માત્ર એક બે વ્યક્તિ દ્વારા નહી, અનેક અધિકારીઓ, રાજકીય નેતાઓની સાંઠ ગાંઠ વગર શક્ય નથી. આ માત્ર નકલી કચેરીનો મામલો નથી આદિવાસી સુરક્ષા અને સન્માન સામેનો પણ પ્રશ્ન છે. આદિવાસીઓ સામે અનેક ખોટા પ્રશ્નો ઉભા કરીને ડરાવવા, ગુમરાહ કરવામાં આવે અને તેના નાણાં, કચેરીઓમાં ભ્રષ્ટાચાર વગર કોઈ કામ નહીં થવાના, વિકાસના નામે જમીનો હડપવાના, ઓળખ ખતમ કરવાના કાવતરાંઓ રચવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું કે આ પુરા ષડયંત્ર ને ખુલ્લું પાડવું અને તેની સાથે જોડાયેલી દરેક બાબતને ખુલ્લી પાડવી જરૂરી છે. જીલ્લા ના લોકોને પાણી નહી પણ પાણીની યોજના નું કૌભાંડ આપવામાં આવે છે આ કૌભાંડ સામે તટસ્થ તપાસ આખુ નેટવર્ક ખુલ્લું પાડવાની માંગ સાથે આવેદનપત્ર આપીને માંગ કરવી જરૂરી છે.