રાજપીપળા: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તે પૂર્વે કેન્દ્ર – રાજ્ય સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ અને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અને ઉજવણી શાનદાર રીતે થાય તે માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ સાંજે એકતાનગર ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની રીવ્યુ બેઠક મળી હતી. જેમાં સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વન ટુ વન સમીક્ષા કરવામાં આવી હતી. અને આ ઉજવણી એક યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે સૌ સાથે મળીને એકબીજાના સંકલનમાં રહીને તમામને સોંપાયેલી કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી સી. એ. ગાંધી અને જિલ્લાના આમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની બેઠક પણ મળી હતી.