વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના જંગલની જમીન પર ખેતી કરી અને જમીન પર કબ્જો કરનારા ખેડૂતોને ઘણાં વર્ષોથી જમીનની સનદ આપવામાં નહીં આવતા ચોંઢા અને મોળાઆંબાના સ્થાનિક ખેડૂતો સાથે ચોંઢા દૂધ મંડળી પર વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સંવાદ યોજવામાં આવ્યો હતો.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર ચોંઢા અને મોળાઆંબા ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા ધારાસભ્ય અનંત પટેલ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં ચોંઢાના 100 જેટલા કબ્જેદારો અને મોળાઆંબાના આશરે 78 જેટલા ખાતેદારો સાથે ગામ આગેવાનો ભેગા થયા હતા.
અનંત પટેલે આ બેઠકમાં જણાવ્યું કે વાંસદા તાલુકાના લગભગ 1600 જેટલા આદિવાસી ખેડૂતો જંગલની જમીન પર ખેતી કરી રહ્યાં છે અને તેઓએ જંગલની જમીનોના ફોર્મ ભર્યા છે. આ જંગલની જમીન આપણો અધિકાર છે અને જંગલની જમીનની સનદ લઈને રહીશું. જંગલની જમીનનો કાયદો કોંગ્રેસ 2005માં લાવી, આ જમીન પર વર્ષોથી ખેતી કરતા થયા છે પરંતુ જેટલી જમીન પર કબ્જો હતો, એનાથી ઓછી જમીનની સનદ મળી છે અને આ જમીનની સનદ મેળવીને રહીશું.
બેઠકમાં ઉપસ્થિત વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજ ગાંવિતે જણાવ્યું હતું કે, જંગલની જમીન પર ખેતી કરી એની સાથે જંગલના ઝાડોની જાળવણી કરવાની જવાબદારી આપણી જ છે. આ કાર્યક્રમમાં ગામ આગેવાનો અને કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.