વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઝરી ગામે બીજા ગામેથી પરત પોતાના ઘરે રહેવા આવેલા પરિવાર પર ઘરની પુત્રવધુએ તેના પતિને તેઓએ મારી નાંખ્યો હોવાનો જણાવી ‘તમને અહીં રહેવા દેવાના નથી’ કહી પુત્રવધુએ ફળિયાના અન્ય 6 ઇસમો સાથે મળી સસરા, જેઠ-જેઠાણીને માર માર્યો હતો. જેઠાણીએ વાંસદા પોલીસ મથકે ફોન કરતા તાત્કાલિક પોલીસ પહોંચી જતા મામલો શાંત પાડ્યો હતો.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વાંસદાના ઝરી ગામના ડુંગરી ફળિયામાં રહેતા મોરારભાઈ સુખાભાઈ પટેલે વર્ષ-2009માં તેમના બે પુત્રો અનિલ અને યોગેશને જમીન સરખા ભાગે વહેંચણી કરી આપી હતી. વર્ષ-2019મા પુત્રોમાં જમીન હદ બાબતે બોલાચાલી થતા યોગેશ બેભાન થઈ ગયો હતો અને સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવનો અકસ્માત મોત ગુનો વાંસદા પોલીસ મથકે નોંધાવ્યો હતો. મોરારભાઇ તેમના પુત્ર અનિલ અને પુત્રવધુ દીપિકા, અનિલની બે છોકરી સાથે ખારેલમાં ઘર ભાડે રાખી રહેતા હતા. તેઓ સોમવારે ફરી ઝરીમાં આવેલા મકાન રહેવા ગયા હતા. મંગળવારના રોજ યોગેશની પત્ની મનિષા તેમજ ફળિયામાં રહેતા લતા વિક્રમભાઈ, સંજય છોટુભાઈ, ગીરા કલ્પેશભાઈ, દિવાળી છોટુભાઈ, ગંગા લાલજીભાઈ,પંકજ ગમનભાઈએ મોરારભાઈના ઘરે આવી અને ત્યાં હાજર અનિલની પત્ની દીપિકાને કહ્યું હતું કે ‘તમને અહીં રહેવા દેવાના નથી અને તમેજ યોગેશને મારી નાંખ્યો છે તેમ કહીં ઘરમાં પ્રવેશ કરી દેરાણી મનીષા, લતા અને સંજયે દીપિકાને ઘરની બહાર ખેંચી કાઢી મારમાર્યો હતો. દરમિયાન અનિલ વચ્ચે છોડાવવા જતા તેને પણ ગીરા, દિવાળી અને ગંગાએ અને મોરારભાઈને પણ પંકજ અને સંજયએ માર માર્યો હતો.

આ બનાવની જાણ 100 નંબર ઉપર કરતા વાંસદા પીએસઆઇ જે.વી.ચાવડા સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. વાંસદા પોલીસમાં દીપિકા અનિલ પટેલએ તેની દેરાણી મનીષા સહિત 7 જણાં સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.