ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં વનવિભાગ દ્વારા થતી હેરાનગતિ બંધ કરાવી સામાન્ય લોકોને ઉપયોગી થાય એવા વૃક્ષોનું વનીકરણ કરવા માંગ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લા કલેકટરોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રમાણમાં ઘટાદાર વનો મોટી માત્રામાં આવેલ છે. વન અધિનિયમ 2006 પ્રમાણે વનોમાં થતી વન્યપેદાશો પર આદિવાસીઓનો અધિકાર હોવા છતાં વનવિભાગ દ્વારા આદિવાસીઓ પર ઘણીવાર અમાનુષી અત્યાચાર ગુજારવાના કિસ્સાઓ છાપાઓ અને સોશિયલ મીડિયામાં આવતા હોય છે. હાલમાંજ થોડા દિવસો પહેલા કપરાડામાં આદિવાસી ખેડૂતોના 60 જેટલા આંબાના ફળાઉ વૃક્ષો કાપી નાખતાં કપરાડા આદિવાસીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળેલ હતો. ત્યારે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં વનવિભાગ દ્વારા જીવનજરૂરી વનપેદાશો મળી રહે એવી રીતનું આયોજન કરવા બાબતે દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લા કલેકટરોને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી.
આ બાબતે મિડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જીલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ જણાવે છે કે વનવિભાગ દ્વારા આંબા, ફણસ, જાંબુ, મહુડા, ખાખરા, ટીમરું તેમજ ઔષધિઓ ગુણો ધરાવતા સતાવરી, રંગત રોહિણી, અર્જુન સાદડ, લીંડી પીપર,સહિતના 326 જાતની વનસ્પતિઓનું વાવેતર કરી વનીકરણ સાર્થક કરવાની તેમજ ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓનું રીસર્ચ સેન્ટર ખોલવાની માંગણી કરેલ છે.











