ઉચ્છલ: ગતરોજ બે બાળકોના પિતા દ્વારા ઉચ્છલ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને કુંવારો હોવાનું કહી પ્રેમજાળ માં ફસાવી અને તેની સાથે અવારનવાર શરીર સંબધ બાંધ્યા હતા અને તેમની અંગત પળના ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેતા યુવતીને બદનામ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

Decision News ને મળેલી વિગત મુજબ નિઝર તાલુકાના રાયગઢ ગામના કોટડા ફળિયામાં રહેતો આરોપી અનિલ અર્જુનભાઈ વળવી પરિણીત છે અને તેને બે બાળકો પણ છે તેમ છતાં અનિલે થોડાં સમય પહેલાં ઉચ્છલની યુવતી પોતે કુંવારો હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હતી. અને 2021 થી લઈને 22 /1 /23  સુધી તેણે યુવતી સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાર પછી અનિલની હકીકત સામે આવી જતાં યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો  પણ આરોપી અનિલે યુવતીના નામનું સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતી સાથે માણેલી અંગત પળના ફોટાઓ વાયરલ કરી દીધા હતા.

આ મુદ્દે યુવતીએ અનિલ અર્જુન વળવી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે બાતમીના આધારે આરોપી અનિલ વળવીની ધરપકડ કરી લીધી હતી. હાલમાં કોર્ટમાં નામદાર જજ દ્વારા તેને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.