દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં શામળાજીથી વાપી સુધીના નેશનલ હાઈવેને દક્ષિણ ગુજરાત અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ નેશનલ હાઇવે ઓથોરિટીના અઘિકારીઓની હાજરીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન માપણીની કામગીરીનો આરંભ કરી દીધાના દ્રશ્યો સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ જમીન માપણી દરમિયાન કોઈ પણ જાતનો અણબનાવ બન્યો હોય એમ જાણવા મળ્યું નથી. એક બાજુ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જમીન માપણી કરી રહ્યાં છે અને બીજી બાજુ અસરગ્રસ્ત ખેડુતોએ હાઈવેની શરુ થઇ ગયેલી કામગીરીને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર અને નાંદોદ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખને લેખીત વિરોધની રજૂઆત કરી છે.

અસરગ્રસ્ત ખેડુતોએ નર્મદા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જે જમીન પર ખેડૂતોનો જીવન નિર્વાહ ચાલે છે એવા વાવડી તથા જીતનગર ખેડુતોના આખા ખેતરો આ હાઈવેમાં નાશ પામે છે. આ બાયપાસ રોડમાં ત્રણ સોસાયટીઓને પણ નુકશાન થાય છે. આ સોસાયટીને નુકશાન થવાથી આશરે 100 જેટલા પરિવારો જમીન પર આવી જશે. જુના ફોરલેન રોડની બાજુમાં બીજો 8 માર્ગીય બને એમ છે, તે છતાં આ રસ્તો બાયપાસ કરવાથી અનેક ખેડુતો તથા રહીશો બે ઘર બને એમ છે. અમારી રોજી રોટી ખેતી પર નભે છે. ગ્રામસભામાં પણ ખેડુતોએ આ હાઈવેનો વિરોધ કર્યો છે ત્યારે પંચાયત કાયદા મુજબ આદિવાસી વિસ્તારમાં પેસા એક્ટ મુજબ ગ્રામસભા જે નક્કી કરે એ મુજબ થઇ રહ્યું નથી.